
મુંબઈ, નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.): ફિલ્મ અભિનેતા ઈમરાન ખાનને, મુંબઈ પોલીસે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ ફટકારી છે. મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં આયોજિત રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ ગુરુવારે મુંબઈ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઈમરાન ખાન બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ભત્રીજા છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કિરીટ સોમૈયાએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ઈમરાન ખાન ભારતીય નાગરિક નથી. તેમનો જન્મ 13 જાન્યુઆરી, 1983ના રોજ અમેરિકાના વિસ્કોન્સિનના મેડિસનમાં થયો હતો. તેમણે પોતાને અમેરિકન નાગરિક જાહેર કર્યા છે અને તેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે. તેમની પાસે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ પણ છે. ઓસીઆઈ કાર્ડ ભારતીય નાગરિકતા આપતું નથી. ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં રહેવાની અને મુસાફરી કરવાની સ્વતંત્રતા સહિત અનેક વિશેષાધિકારોનો આનંદ માણે છે, પરંતુ તેઓ ભારતીય નાગરિકોના સંપૂર્ણ બંધારણીય અને રાજકીય અધિકારોનો આનંદ માણતા નથી.
આનો અર્થ એ થયો કે, વિદેશમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને દેશમાં રહેવા માટે આજીવન વિઝા મળે છે, પરંતુ તેઓ મતદાન કરી શકતા નથી કે ચૂંટણીમાં ઉભા રહી શકતા નથી. કલમ 19 હેઠળ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સભા ફક્ત ભારતીય નાગરિકોને જ ઉપલબ્ધ છે. વિદેશી નાગરિકોને દેશની અંદર વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાનો અધિકાર નથી. ઇમરાન ખાને મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધમાં ભાગ લીધો હતો. ત્યારબાદ, પોલીસે ઇમરાનની ધરપકડ કરી હતી.
સોમૈયાએ કહ્યું કે, આ કારણોસર તેમણે આ બાબતની ફરિયાદ મુંબઈ પોલીસને કરી હતી અને આ ફરિયાદના આધારે, મુંબઈ પોલીસે ઇમરાન ખાનને 28મી તારીખે ભારત છોડવા માટે નોટિસ જારી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ