
નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે, તેઓ 'રાજકીય પ્રતિકાર'ના બહાને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો અને સમગ્ર વ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ, પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નેહા બોરા અને પ્રશાંત ભૂષણના નિવેદનોનો ઉલ્લેખ કરતા, રાહુલ ગાંધીની રાજકીય રણનીતિ પર સવાલો ઉઠાવ્યા. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના વર્તમાન આંદોલનને ભારતની જનતા અને લોકતાંત્રિક વ્યવસ્થા વિરુદ્ધ રાહુલ ગાંધી અને તેમની રાજકીય ઇકોસિસ્ટમની લડાઈ ગણાવી અને આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અને તેની સાથે જોડાયેલા રાજકીય જૂથોનો ઉદ્દેશ્ય લોકતાંત્રિક વિરોધને બદલે દેશની સમગ્ર શાસન વ્યવસ્થાને અસ્થિર કરવાનો છે.
ભંડારીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી સતત 'રાજકીય પ્રતિકાર' શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના મતે, રાજકીય વિરોધ લોકશાહીનો એક ભાગ છે, પરંતુ તેના નામે અરાજકતાને પ્રોત્સાહન આપવું સ્વીકાર્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને તેમની રાજકીય ઇકોસિસ્ટમનો ઉદ્દેશ્ય દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને નબળી પાડવાનો છે.
ભાજપના પ્રવક્તાએ નેહા બોરાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમને પોતાની 'પોસ્ટર ગર્લ' તરીકે રજૂ કર્યા હતા. ભંડારીએ દાવો કર્યો કે નેહા બોરાએ એક મુલાકાતમાં બાંગ્લાદેશમાં થયેલા આંદોલનથી પ્રેરિત હોવા અને ભારતમાં પણ તેવી જ સ્થિતિ ઈચ્છવાની વાત કહી હતી.
તેમણે આ નિવેદનના આધારે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે, શું તેઓ નેહા બોરાના વિચારો સાથે સહમત છે. ભંડારીએ માંગ કરી કે, જો રાહુલ ગાંધી આવા વિચારોનું સમર્થન ન કરતા હોય, તો તેમણે જાહેરમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ અને નેહા બોરાના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરવી જોઈએ.
ભંડારીએ બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, ત્યાં આંદોલન દરમિયાન જે રીતે વ્યવસ્થામાં પરિવર્તનની માંગ ઉઠી, તેવી જ સ્થિતિ ભારતમાં પણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, ભારતમાં આવી કોઈ સુનિયોજિત ષડયંત્રના પોતાના આરોપોના સમર્થનમાં તેમણે મીડિયા નિવેદન દરમિયાન કોઈ સ્વતંત્ર પુરાવા રજૂ કર્યા ન હતા.
ભંડારીએ એડવોકેટ પ્રશાંત ભૂષણની એક સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે, ભૂષણે પોતાની પોસ્ટમાં ક્રાંતિ અને લોહીયાળ સંઘર્ષ (ખૂન-ખરાબા) સંબંધિત વાતો કહી હતી અને તેના લગભગ 24 કલાક પછી રાહુલ ગાંધીએ તેમની સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી.
ભાજપના પ્રવક્તાએ આ બંને ઘટનાઓને જોડતા આરોપ લગાવ્યો કે, આ રાજકીય પ્રતિકારના નામે અરાજકતાને કાયદેસર ઠેરવવાના પ્રયાસનો સંકેત છે. તેમણે કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં અસહમતિ અને વિરોધનો અધિકાર છે, પરંતુ કોઈપણ રાજકીય પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય હિંસા કે અવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો ન હોવો જોઈએ.
ભંડારીએ કહ્યું કે, દેશની જનતાએ વિવિધ ચૂંટણીઓમાં મતદાન દ્વારા પોતાની રાજકીય પસંદગી વ્યક્ત કરી છે. તેમણે મતપત્ર અને EVM દ્વારા થયેલી ચૂંટણીઓ તેમજ પેટાચૂંટણીઓ અને વિદ્યાર્થી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે દાવો કર્યો કે, જનતા અને યુવા વર્ગ એવી રાજનીતિને સ્વીકારી રહ્યા નથી, જે દેશને અરાજકતામાં ધકેલે છે. તેમના મતે, લોકશાહીમાં સત્તા મેળવવાનો માર્ગ જનતાનો સમર્થન અને ચૂંટણી પ્રક્રિયા છે.
પ્રદીપ ભંડારીએ, રાહુલ ગાંધી પાસેથી નેહા બોરાના કથિત નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીની રાજકીય વિચારસરણી અરાજકતાને પ્રોત્સાહન આપનારી નથી, તો તેમણે આ મામલે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ