
ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI)ના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE), ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી 17મી અખિલ ભારતીય આંતર-SAI કબડ્ડી સ્પર્ધા 2026–27ના બીજા દિવસે વિવિધ કેન્દ્રોની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ખેલાડીઓએ આક્રમક રમત, ચપળતા અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સ્પર્ધામાં ઉત્સાહ જાળવી રાખ્યો હતો.
મહિલા વર્ગમાં NCOE ગાંધીનગરએ NCOE સોનીપતને 36–28થી હરાવ્યું હતું. ગાંધીનગરની ટીમે દિવસના બીજા મુકાબલામાં NCOE ધર્મશાળાને 40–34થી પરાજિત કરી વધુ એક જીત નોંધાવી હતી. અન્ય મુકાબલામાં STC કોકરાઝારે STC મયિલાદુથુરાઈને 41–28થી હરાવ્યું હતું.
પુરુષ વર્ગમાં STC ચેન્નાઈએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં STC પુડુચેરીને 46–30થી અને STC ધારવાડને 52–35થી પરાસ્ત કર્યું હતું. STC બિલાસપુરે STC હૈદરાબાદ સામે 45–25થી જીત મેળવી હતી, જ્યારે STC જયપુરે હૈદરાબાદને 39–27થી હરાવ્યું હતું.
દિવસનો સૌથી રોમાંચક મુકાબલો STC ધારવાડ અને STC મયિલાદુથુરાઈ વચ્ચે જોવા મળ્યો હતો, જેમાં ધારવાડે માત્ર બે પોઇન્ટના અંતરથી 44–42થી વિજય મેળવ્યો હતો. અન્ય એક મુકાબલામાં STC મયિલાદુથુરાઈએ STC પુડુચેરીને 40–32થી હરાવ્યું હતું.
સ્પર્ધાના બીજા દિવસે ખેલાડીઓએ ઝડપ, વ્યૂહાત્મક કુશળતા, સંકલન અને રમતભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે દેશભરના વિવિધ SAI તાલીમ કેન્દ્રોની ટીમો ખિતાબ મેળવવા માટે ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ