એઈમ્સ રાજકોટના તબીબોની સિદ્ધિ: 12 વર્ષની બાળકીના પેટમાંથી સફળતાપૂર્વક ધાતુની પિન બહાર કઢાઈ
રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ 12 વર્ષની બાળકીના નાના આંતરડામાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની પિનને અત્યાધુનિક એન્ડોસ્કોપીની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢીને તબીબી ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પેટ
એઈમ્સ રાજકોટમાં બાળકીની સફળ સર્જરી


રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ 12 વર્ષની બાળકીના નાના આંતરડામાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની પિનને અત્યાધુનિક એન્ડોસ્કોપીની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢીને તબીબી ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પેટમાં કોઈ મોટો ચીરો કે સર્જરી કર્યા વિના માત્ર એન્ડોસ્કોપી ટેકનિકથી આ જટિલ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ સફળ સારવાર બાદ બાળકની સ્થિતિ ઝડપથી સુધરતા તેને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મૂળ જૂનાગઢની રહેવાસી આ બાળકીએ અકસ્માતે તીક્ષ્ણ ધાતુની પિન ગળી લીધી હતી. સ્થાનિક હોસ્પિટલ અને ખાનગી સેન્ટરમાં પ્રાથમિક તપાસ, એક્સ-રે અને સીટી સ્કેન કરાવ્યા બાદ પિન પેટના ભાગમાં હોવાનું માલૂમ પડ્યું હતું. વધુ અને ચોક્કસ સારવાર મેળવવા માટે પરિવારજનો બાળકીને એઈમ્સ રાજકોટ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં વધુ તપાસમાં પિન નાના આંતરડાના ડ્યુઓડેનમ ભાગમાં ફસાયેલી હોવાનું જણાયું હતું, જેના કારણે બાળકીને સતત તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો.

સર્જરી વિભાગના વડા ડો. મિનેશ સિંધલ, ડો. પ્રિયંકા આનંદકા તથા ડો. આનંદ અને એનેસ્થેસીયા વિભાગની ટીમે બાળકીને સુરક્ષિત રીતે એનેસ્થેસીયા આપીને એન્ડોસ્કોપી હાથ ધરી હતી. તબીબી ટીમે સંપૂર્ણ સાવચેતી સાથે ફસાયેલી અણીદાર પિન બહાર કાઢી હતી. આ પ્રક્રિયા બાદ બાળકીની સ્થિતિ સ્થિર જણાતા 6 કલાક પછી પ્રવાહી આહાર અને ત્યારબાદ સામાન્ય ખોરાક શરૂ કરી બીજા જ દિવસે રજા આપતાં પરિવારમાં ભારે ખુશી વ્યાપી ગઈ હતી.

આ સફળ કામગીરી સાથે એઈમ્સ રાજકોટના તબીબોએ વાલીઓ માટે એક મહત્વપૂર્ણ જાગૃતિ સંદેશ પણ આપ્યો છે. બાળકો ઘણીવાર રમતા-રમતા નાની વસ્તુઓ ગળી જતા હોય છે, આવી સ્થિતિમાં ઘરમાં જાતે ઉલટી કરાવવાના પ્રયાસ કરવાને બદલે તુરંત જ નજીકની હોસ્પિટલ કે નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેથી યોગ્ય અને સમયસર સારવાર કરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande