
જુનાગઢ 16 ઓક્ટોબર (હિ.સ.) ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા ગામેથી અંદાજે કુલ રૂ. ૧.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિર- પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ નો સમાવેશ થાય છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત આ આયુષ્માન આરોગ્ય મંદિરોથી સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સુલભ અને સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આ આરોગ્ય કેન્દ્રો ખાતે સામાન્ય બીમારીઓની સારવાર ઉપરાંત સગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંભાળ, નવજાત અને શિશુ સ્વાસ્થ્ય સેવાઓ, બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય આંખ તથા કાન-નાક-ગળાની સંભાળ તેમજ મોઢા અને દાંતની સંભાળ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ નગીચાણા ખાતેથી જ ત્રણેય આયુષ્માન આરોગ્ય મંદિરોની તકતીઓનું અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે નવનિર્મિત નગીચાણા આયુષ્માન આરોગ્ય મંદિરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય સેવાઓને વિશેષ પ્રાથમિકતા આપી છે. તેમણે દવાખાનાઓને મંદિર સમાન ગણાવ્યાં છે, કારણ કે આપણે દર્દીને નારાયણ એટલે કે ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણથી હજારો દર્દી નારાયણની સેવા કરવાની તક મળશે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આયુષ્માન આરોગ્ય મંદિરોથી ગ્રામજનોને ઘરઆંગણે મળશે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સત્તાધીશ નહીં પરંતુ જનતા જનાર્દનના સેવક છીએ. લોકોએ અમને સતત ચૂંટીને આશીર્વાદ આપ્યા છે, ત્યારે લોકો પ્રત્યે જવાબદાર રહેવું એ અમારી નીતિ- રીતિ રહી છે. સતત લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ જાણી-સમજીને તેના ઉકેલ માટે અમે હંમેશાં પ્રયાસરત રહ્યા છીએ.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે કોઈપણ પરિવારમાં ગંભીર બીમારી આવી પડે ત્યારે પરિવાર આર્થિક રીતે પડી ભાંગતો હતો અને દેવાદાર બનવાની નોબત આવતી હતી. આજે આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં પણ ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થઈ રહી છે.
ઘેડ પંથકમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઘેડ પંથકમાં નદીઓમાં પૂર આવતાં ખેડૂતોની જમીન ધોવાઈ જવા સહિતની અનેક સમસ્યાઓ સર્જાતી હતી. આ સમસ્યાનો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરી કાયમી ઉકેલ લાવવા માટે રૂ. ૧૨૦૦ કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના છ તાલુકાનાં ૧૦૯ અસરગ્રસ્ત ગામોને આવરી લેવામાં આવ્યાં છે. નદીઓને ઊંડી ઉતારવા સહિતની તબક્કાવાર કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વના પરિણામે આજે ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થઈ રહી છે. જ્યાં ખેડૂતોને વન્ય પ્રાણીઓથી જોખમ રહેતું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે લાગવગ કે મોટી ઓળખાણના આધારે નોકરી મળતી હોવાની ફરિયાદો થતી હતી, પરંતુ આજે પારદર્શક ભરતી પ્રક્રિયા અને મેરીટના આધારે યુવાનોને નોકરીની તકો મળી રહી છે.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ સંબોધન કરી લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે નિષ્ઠાપૂર્વક સેવા બજાવવાની અપીલ કરી હતી..
ઉલ્લેખનીય છે કે, નગીચાણા આજક અને અજાબ એમ પ્રત્યેક આયુષ્માન આરોગ્ય મંદિર રૂ.૩૬.૨૪ લાખના ખર્ચે નિર્મિત થયું છે.
કાર્યક્રમના અંતે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોએ નગીચાણા ગામની શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
આ પૂર્વે કેન્દ્રીય મંત્રીનું માંગરોળના ચર અને દરસાલી ગામે ગ્રામજનોએ ભાવભેર સ્વાગત કર્યું હતું અને મંત્રીએ ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ડો. હિમાંશુ લાખાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતમાં મેડિકલ ઓફિસર કિશોર માવદિયાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ નારણભાઈ વાજા, જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ખટારીયા, અગ્રણી સોમાતભાઈ વાસણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ