જામનગરના લાલપુરમાં નિવૃત્ત વીજકર્મીની હત્યા કેસનો ભેદ ઉકેલાયો: મુખ્ય આરોપી પુણેથી ઝડપાયો
જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પારેખ બાગ રોડ પર બનેલી નિવૃત્ત પીજીવીસીએલ કર્મચારી મનસુખભાઈ વાછાણીની હત્યા અને લૂંટના ચકચારી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. લૂંટના ઈરાદે કરાયેલી આ હત્યા કેસમાં પોલીસની સઘન તપાસ દરમિ
ધરપકડ


જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પારેખ બાગ રોડ પર બનેલી નિવૃત્ત પીજીવીસીએલ કર્મચારી મનસુખભાઈ વાછાણીની હત્યા અને લૂંટના ચકચારી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. લૂંટના ઈરાદે કરાયેલી આ હત્યા કેસમાં પોલીસની સઘન તપાસ દરમિયાન મુખ્ય શંકાસ્પદ આરોપી અક્ષય મહિડાને રેલવે પોલીસની મદદથી પુણે (મહારાષ્ટ્ર) તરફથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, મૃતકના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે ઘરમાં કામ કરતી સગીરા અને અક્ષય નામના શખ્સ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ અને એલસીબીની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ આદર્યો હતો. તપાસ દરમિયાન આરોપી અન્ય રાજ્યમાં નાસી છૂટ્યો હોવાની માહિતી મળતા પોલીસની ટીમો સક્રિય થઈ હતી.

પોલીસે સગીરાની પૂછપરછ અને અન્ય પુરાવાઓને આધારે કડીઓ જોડીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલી રોકડ રકમ અને ચાંદીના બિસ્કિટ સહિત અંદાજે રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ હત્યાકાંડમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે ટૂંક સમયમાં જ મુખ્ય આરોપીને દબોચી લઈ ગુનાનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણ અંગે વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, અને પોલીસની સત્તાવાર જાહેરાત બાદ આ કેસની અન્ય વિગતો વધુ સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande