રાજકોટમાં તહેવારો ટાણે ફૂડ શાખાના દરોડા: પનીર, ઘી અને આઈસ્ક્રીમના નમૂના નાપાસ થતાં પાંચ સામે કાર્યવાહી
રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા તહેવારો પૂર્વે હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ખાદ્યપદાર્થોમાં મોટી ભેળસેળ સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર, ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ લેબોરેટર
ફૂડ શાખા ના દરોડા


રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા તહેવારો પૂર્વે હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ખાદ્યપદાર્થોમાં મોટી ભેળસેળ સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર, ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં ધારાધોરણ મુજબના ન જણાતાં ફેલ જાહેર કરવામાં આવ્યા છે. ભેળસેળિયા તત્વો સામે કડક વલણ અપનાવી તંત્ર દ્વારા પાંચ વેપારીઓ સામે કાયદેસરના એજ્યુડિકેશન કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેનાથી અશુદ્ધ સામગ્રી વેચતા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ફૂડ વિભાગના પૃથ્થકરણ રિપોર્ટ અનુસાર બજરંગવાડીના 'શ્રી અમૃત ડેરીફાર્મ' અને કોટેચા ચોકના 'જય ધારેશ્વર ડેરી ફાર્મ'ના પનીરમાં મિલ્ક ફેટ ઓછું અને ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. ઉપરાંત જલારામ ઘી ડેપોના 'નમીત ગાયના ઘી'માં વેજીટેબલ ફેટ તથા કનૈયા ડેરીના ઘીમાં તલના તેલની ભેળસેળ ખુલી છે. આ સિવાય અંબિકા ટાઉનશીપના 'શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ'માં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળતાં તેને સબસ્ટેન્ડર્ડ જાહેર કરાયા છે.

બીજી તરફ, દરોડા દરમિયાન ટીમ દ્વારા 78 સ્થળોએ તપાસ કરીને 33 કિલો વાસી તથા અયોગ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં કમિશનર બંગલા સામે આવેલ જાણીતા લોચા હાઉસમાંથી ફુગવાળી ડુંગળી તથા પડતર સમોસા સહિત 17 કિલો અને અન્ય સ્ટોરમાંથી એક્સપાયરી ડેટનો 16 કિલો જથ્થો ફેંકી દેવાયો હતો. નિયમભંગ બદલ એક પિઝા સેન્ટરને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારી બટર અને પનીરના નમૂના ચકાસણી અર્થે મોકલાયા છે.

તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે પાલિકા દ્વારા દશેરા પૂર્વે 'દશેરા ડ્રાઈવ' અંતર્ગત વિવિધ સ્વીટ અને ફરસાણની દુકાનોમાંથી ગાંઠિયા, જલેબી, કાજુ કતરી અને પેંડા સહિત 49 જેટલા નમૂના લેવાયા છે. સાથોસાથ વિરાણી ગ્રાઉન્ડ, રેસકોર્સ અને ગોપી રાસોત્સવ સહિત શહેરના મોટા ગરબા મહોત્સવની કેન્ટીનોમાં પણ ખાસ ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande