રાજકોટમાં વ્યાજમાફી યોજના 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ: 20 હજાર બાકીદારો પાસેથી 40 કરોડની આવકનો અંદાજ
રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને વોટર ચાર્જિસના બાકીદારો માટે જાહેર કરવામાં આવેલી વ્યાજમાફી યોજનાની મુદતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે 30 નવેમ્બર સુધી મુદત વધારવાની ભલામણ કરી હતી, પરંતુ શાસ
રાજકોટ કોર્પોરેશન


રાજકોટ, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને વોટર ચાર્જિસના બાકીદારો માટે જાહેર કરવામાં આવેલી વ્યાજમાફી યોજનાની મુદતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે 30 નવેમ્બર સુધી મુદત વધારવાની ભલામણ કરી હતી, પરંતુ શાસકોએ કરદાતાઓની રાહત અને મનપાની આવકમાં વધારાના હેતુથી આ યોજના આગામી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ યોજનાના પ્રથમ તબક્કા દરમિયાન 7,451 કરદાતાઓએ કુલ રૂ. 16 કરોડનો વેરો ભરપાઈ કરીને રૂ. 2 કરોડ જેટલું વ્યાજ માફ કરાવ્યું છે. મનપા શાસકોના અંદાજ મુજબ, હવે મુદત લંબાવાથી વધુ 20 હજાર જેટલા કરદાતાઓ આ યોજનાનો લાભ લેશે, જેનાથી મહાનગરપાલિકાને રૂ. 40 કરોડ સુધીની જંગી આવક થવાની સંભાવના છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી લેણાં ધરાવતા નાગરિકો નિયમિત કરદાતા બની શકશે.

યોજનાની વિગતો આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, રહેણાંક અને બિન-રહેણાંક તમામ પ્રકારની મિલકતો તેમજ વોટર ચાર્જિસમાં રૂ. 5-5 હજાર સુધીનું વ્યાજ માફ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, જો મૂળ ટેક્સ કરતાં વ્યાજની રકમ વધી ગઈ હોય, તો ટેક્સથી વધુ થતી તમામ વ્યાજની રકમ પણ સંપૂર્ણપણે માફ કરવાની જોગવાઈ આ યોજનામાં ચાલુ રાખવામાં આવી છે.

આ સિવાય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. 2 માં આવેલા રંગ ઉપવન સોસાયટીના ગેટ પાસે પોલીસ રાઉટી (ચોકી) ઊભી કરવા માટે 70 ચોરસ વાર જમીન ફાળવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તારમાં ગંદકી, ન્યુસન્સ પોઈન્ટ અને ઝૂંપડપટ્ટી આસપાસ થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને સ્થાનિક રહીશોની સુરક્ષા વધારવાના હેતુથી આ જમીન પોલીસ વિભાગને સોંપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande