


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરને
પ્લાસ્ટિકમુક્ત બનાવવા અને પર્યાવરણના રક્ષણના હેતુથી રાણાવાવ નગરપાલિકા દ્વારા
પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાનના ભાગરૂપે રાણાવાવ નગરપાલિકા
અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની સંયુક્ત ટીમ દ્વારા શહેરના છ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન અંદાજે 30 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો
જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી આશરે રૂ. 1,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રાણાવાવ નગરપાલિકાના સ્વચ્છતા માર્શલ અને
સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય હેતુ
સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તથા વેચાણ પર નિયંત્રણ લાવવાનો
છે. ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરીથી શહેરમાં સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને
પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાગરિકો તથા વેપારીઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya