
મહેસાણા, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાતમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. શુક્રવારે રાજ્યના 26 જિલ્લાઓમાં 101 નવાં ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. આ અંતર્ગત મહેસાણા જિલ્લાના જોટાણામાં નવા બસ સ્ટેશન સામે પ્રાથમિક શાળા પાસે શરૂ કરાયેલા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજના હેઠળ શ્રમિકોને માત્ર ₹5ના ટોકન દરે ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. જ્યારે સપ્તાહમાં એક વખત સુખડી જેવી મીઠાઈ પણ પીરસવામાં આવે છે.
જૂન 2017માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 જિલ્લાઓના 293 કેન્દ્રો પરથી 5.09 કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ લેવા માટે ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકોએ પોતાનું ઈ-નિર્માણ કાર્ડ બતાવી QR કોડ સ્કેન કરાવવાનો રહે છે. કાર્ડ ન ધરાવતા શ્રમિકો માટે કેન્દ્ર પર હંગામી નોંધણીની સુવિધા પણ છે, જેના આધારે 15 દિવસ સુધી ભોજન મેળવી શકાય છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, નવાં કેન્દ્રો શરૂ થવાથી વધુ શ્રમિકો સુધી પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં મદદ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR