સિદ્ધપુરના સાનિધ્ય બંગ્લોઝમાં નવરાત્રીની ધામધૂમભેર ઉજવણી, વેશભૂષા સ્પર્ધામાં વિવિધ પાત્રોએ જમાવ્યું આકર્ષણ
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી સાનિધ્ય બંગ્લોઝ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહોત્સવ દરમિયાન સોસાયટીના રહીશો એકત્ર થઈ માં અંબાની આરાધના કરી રહ્યા છે અને રાસ-ગરબાની
સિદ્ધપુરના સાનિધ્ય બંગ્લોઝમાં નવરાત્રીની ધામધૂમભેર ઉજવણી, વેશભૂષા સ્પર્ધામાં વિવિધ પાત્રોએ જમાવ્યું આકર્ષણ


પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી સાનિધ્ય બંગ્લોઝ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહોત્સવ દરમિયાન સોસાયટીના રહીશો એકત્ર થઈ માં અંબાની આરાધના કરી રહ્યા છે અને રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. આ આયોજનમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહભેર જોડાઈને ઉત્સવને યાદગાર બનાવી રહ્યા છે.

નવરાત્રી મહોત્સવના ભાગરૂપે સોસાયટી પરિસરમાં વિશેષ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને મહિલાઓએ વિવિધ સામાજિક, વ્યાવસાયિક તથા ધાર્મિક પાત્રો ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્પર્ધામાં સરપંચ, આદિવાસી, રબારી, ભુવાજી, ડોક્ટર, પોલીસ, બંગાળી દંપતી, પટેલ-પટલાણી, ડોસી-ડોસા, મરાઠી વેશભૂષા, રૂપા વાસણવાળી, વિદ્યાર્થી, પરી, રાજપૂતાણી, ગરબા રાણી, માતાજીનાં વિવિધ સ્વરૂપો તેમજ કાગડા જેવાં અનોખાં પાત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત સોસાયટીના પુરુષોએ પરંપરાગત સાફા ધારણ કરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર આયોજનમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી. સ્પર્ધકો દ્વારા કરવામાં આવેલી વિવિધ વેશભૂષાની રજૂઆતો ઉપસ્થિત રહીશો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોસાયટીના રહીશોએ ખેલૈયાઓ અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે સાનિધ્ય બંગ્લોઝ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાના સુંદર સમન્વય સાથે ઉજવાઈ રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande