
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ વિભાગ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 28 જિલ્લાઓમાં કુલ 101 નવાં ભોજન કેન્દ્રો શરૂ કરવાના નિર્ણયના ભાગરૂપે કાકોશી ગામને પણ આ સુવિધા પ્રાપ્ત થઈ છે. આ પહેલનો મુખ્ય હેતુ શ્રમિકો અને તેમના પરિવારોને સસ્તા દરે શુદ્ધ, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે.
નવા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સિદ્ધપુર તાલુકા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા શીતલબેન દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર શરૂ થવાથી શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી શકશે. કામના સ્થળે જતા શ્રમિકોને સમયસર ભોજન મળી રહેતાં તેમના સમય અને ખર્ચમાં પણ રાહત મળશે. આ સુવિધા ખાસ કરીને રોજીરોટી માટે મહેનત કરતા શ્રમિકો માટે ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ ધન્વંતરી આરોગ્ય રથની પણ મુલાકાત લીધી હતી અને શ્રમિકો માટે કરવામાં આવતી આરોગ્ય તપાસ તથા પ્રાથમિક સારવારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં શ્રમિકો પણ હાજર રહ્યા હતા. ભોજન વિતરણની સુવિધા સાથે આરોગ્ય સેવાઓ અંગેની જાગૃતિ વધારવાના પ્રયાસથી શ્રમિકોના આરોગ્ય અને કલ્યાણને પ્રોત્સાહન મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ