

Gujarat, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ
મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની
બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગત બેઠક દરમિયાન મંત્રીએ આપેલા સૂચનોના અનુસંધાને થયેલી
કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર-2026 ના અંત સુધીમાં
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી તથા જનકલ્યાણકારી યોજનાઓ હેઠળ થયેલી
કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતાં
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “જો કોઈ રાજ્યનું શિક્ષણ ખતમ થઈ જાય તો
તે રાજ્ય ખતમ થઈ જાય.” તેમણે જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, શાળાઓમાં પાયાની સુવિધાઓ સુદૃઢ બનાવવા
તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સંબંધિત
અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, સમગ્ર
શિક્ષા અભિયાન, મિશન પોષણ 2.0 , પીએમ પોષણ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને પશુપાલન સહિતની વિવિધ
યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ, મહાનગરપાલિકાનાં વિકાસકાર્યો, પીએમ સ્વનિધિ યોજના, વિવિધ પેન્શન યોજનાઓ, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને
આજીવિકા મિશન ગ્રામીણ (VB-G
RAM G), રાષ્ટ્રીય
ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)
અને જીજીઆરસી હેઠળ થયેલી કામગીરીની પણ
સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી
યોજનાઓના નિર્ધારિત લક્ષ્યાંકો, અત્યાર
સુધીની સિદ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને બાકી રહેલી
કામગીરી અંગે વિગતો મેળવી હતી. તેમણે સરકારની યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી
સુધી પારદર્શક અને સમયબદ્ધ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. કોઈપણ
પાત્ર નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં
જનજાગૃતિ વધારવા, જરૂરીયાત મુજબ વિશેષ અભિયાન હાથ ધરવા
અને અરજીઓનો ઝડપી નિકાલ કરવા પણ સૂચના આપી હતી.
બેઠકમાં પોરબંદર જિલ્લામાં ચાલી રહેલા માર્ગ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, આવાસ અને અન્ય માળખાકીય વિકાસકાર્યોની
સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધૂરાં કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, કામગીરીની ગુણવત્તા જાળવવા તથા સ્થળ
નિરીક્ષણ દ્વારા નિયમિત દેખરેખ રાખવા સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું. મંત્રીએ વિભાગો વચ્ચે સંકલન વધારીને વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા અને
નાગરિકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ લાવવા પણ જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ યોજનાઓનો હેતુ માત્ર આંકડાકીય
સિદ્ધિ સુધી મર્યાદિત ન રહે, પરંતુ
તેનો વાસ્તવિક લાભ સામાન્ય નાગરિકના જીવનમાં જોવા મળવો જોઈએ. મહિલાઓ, ખેડૂતો, માછીમારો, યુવાનો, વંચિત વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો સુધી સરકારી યોજનાઓના
લાભ પહોંચે તે માટે અધિકારીઓએ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવી જોઈએ.
બેઠક દરમિયાન બાકી રહેલાં આવાસોનું નિર્માણ
ઝડપથી પૂર્ણ કરવા, દરેક ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પાણી
પહોંચાડવા, ગ્રામ્ય માર્ગોની મરામત અને જાળવણીને
પ્રાથમિકતા આપવા, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી સુવિધાઓ અને
માનવબળ ઉપલબ્ધ કરાવવા તથા શાળાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓ સુધારવા અંગે ભાર
મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રોજગારલક્ષી તાલીમ અને યુવાનો માટેની કૌશલ્ય વિકાસ
યોજનાઓનો વ્યાપ વધારવા પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં.
વિવિધ વિભાગોના અધિકારીઓએ યોજનાઓના અમલીકરણ
દરમિયાન સામે આવેલા પડકારો અને કામગીરીની પ્રગતિ અંગે રજૂઆત કરી હતી. મંત્રીએ
સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા, નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને
કામગીરીનો પ્રગતિ અહેવાલ નિયમિત રીતે રજૂ કરવા સૂચના આપી હતી.બેઠકનું સંચાલન
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક રેખાબા સરવૈયાએ કર્યું હતું.
આ બેઠકમાં પોરબંદરના મેયર સાગર મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર ટી.સી. તીર્થરાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ
કેશવાલા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા
સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya