
જૂનાગઢ 18 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૧૫-૧૦-૨૦૨૬ના પત્રથી તા. ૦૧-૦૧-૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નવા નામની નોંધણી, નામ કમી કરવા તેમજ હાલની વિગતોમાં સુધારા-વધારા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમની સમયમર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
- મતદાન મથકોનું રેશનલાઇઝેશન/રી-એરેજમેન્ટ: તા. ૦૨-૧૧-૨૦૨૬ (સોમવાર) સુધીમાં.
- સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ: તા. ૧૨-૧૧-૨૦૨૬ (ગુરુવાર).
- હક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો: તા. ૧૨-૧૧-૨૦૨૬થી તા. ૧૧-૧૨-૨૦૨૬ સુધી.
- હક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ: તા. ૨૮-૧૨-૨૦૨૬ (સોમવાર) સુધીમાં.
- મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ: તા. ૦૪-૦૧-૨૦૨૭ (સોમવાર).
ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર, તા. ૧૨-૧૧-૨૦૨૬થી તા. ૧૧-૧૨-૨૦૨૬ દરમિયાન તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ સંબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફિસર (BLO) મારફતે નાગરિકો મતદાર યાદીમાં પોતાના નામની નોંધણી કરાવવા, નામ કમી કરાવવા અથવા વિગતોમાં સુધારા-વધારા કરાવવા માટે નિયત ફોર્મ રજૂ કરી શકશે.
આ ઉપરાંત, નાગરિકો મતદાર યાદી સંબંધિત જરૂરી વિગતો મેળવવા તથા મતદાર તરીકેની પોતાની અને સંબંધિત પાત્ર વ્યક્તિઓની નોંધણી માટે ચૂંટણી પંચની વેબસાઇટ voter.eci.gov.in મારફતે ઓનલાઇન અરજી કરી શકશે.
મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન મેળવવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કરી શકાશે.
આથી, જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકો અને મતદારોને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭નો લાભ લેવા, પોતાની તથા પરિવારના પાત્ર સભ્યોની મતદાર યાદીમાં નોંધણી ચકાસવા અને જરૂરી સુધારા નિયત સમયમર્યાદામાં કરાવવા અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ