



પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના
અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હતી. બેઠકમાં વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓ વચ્ચે સુચારુ સંકલન જળવાઈ રહે, નાગરિકલક્ષી કામગીરી સમયસર પૂર્ણ થાય
તેમજ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને ઝડપથી મળી રહે તે અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત
અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરએ નાગરિકો દ્વારા વિવિધ
સરકારી સેવાઓને લગતી કરવામાં આવતી અરજીઓનો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે
સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસ સમયસર તૈયાર કરી નિવૃત્તિ સમયે
પેન્શન સહિતના તમામ પાત્ર લાભો મળી રહે તે માટે સંબંધિત કચેરીઓને આગોતરું આયોજન
કરવા સૂચના આપી હતી.
વધુમાં, વિવિધ સરકારી કચેરીઓ દ્વારા બાકી વસૂલાતની કામગીરીને અગ્રતા આપી નિયત
સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરએ જણાવ્યું હતું. સરકારી વિભાગો વચ્ચે પરસ્પર
સંકલન જાળવવા, જરૂરી અહેવાલો સમયસર રજૂ કરવા તેમજ
સરકારની સૂચનાઓ અને હેતુઓ અનુસાર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પણ
તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મીયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિત વિવિધ સરકારી વિભાગો અને
કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya