
ભાવનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સ્વસ્તિક યાત્રા રામકથા હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગીતા સંદેશ સ્થળી ખાતે પહોંચી હતી. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ભારત અદભૂત સ્વસ્તિક છે, જે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરી શકે છે. ભારત જ્યારે ભજનથી વિમુખ થયું છે, ત્યારે સ્વસ્તિકથી પણ દૂર થયું છે.
ભારતવર્ષની આ વિશિષ્ટ રામકથા યાત્રામાં સેંકડો ભાવિકો જોડાયા છે. યાત્રિકો વિવિધ તીર્થસ્થળોનાં દર્શન સાથે રામકથાનું શ્રવણ કરી રહ્યા છે. શનિવારે કૃષ્ણ જન્મસ્થાન મથુરાથી પ્રસ્થાન કર્યા બાદ વિશેષ રેલગાડીઓ કુરુક્ષેત્ર પહોંચી હતી, જ્યાં મોરારિબાપુના વ્યાસાસને કથાનું આયોજન થયું હતું.
કથાપ્રવચન દરમિયાન મોરારિબાપુએ ભજનથી દૂર લઈ જતાં લક્ષણો વિશે સમજાવ્યું હતું. ભજનથી વિમુખ વ્યક્તિઓનો સંગ, બિનજરૂરી બોલવું, અકારણ ભીડનો હિસ્સો બનવું, અતિશય ઊંઘ, નિંદા સાંભળવી, અતિભોજન, અતિક્રોધ, વિલાસી જીવન અને અતિશય સ્પૃહા જેવાં લક્ષણો વ્યક્તિને આધ્યાત્મિક માર્ગથી દૂર લઈ જાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
સલાહ આપનારા લોકો પ્રત્યે સદભાવ વ્યક્ત કરતાં મોરારિબાપુએ હળવા વ્યંગ સાથે ગુજરાતી ભજનિક નારાયણસ્વામીનું સુપ્રસિદ્ધ ભજન ‘શું પૂછો છો મુજને, કે હું શું કરું છું?’ ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.
રામકથાના નવમા દિવસે શક્તિ વંદનાનાં ગાન સાથે કથાનું સમાપન થયું હતું. ત્યારબાદ યાત્રાના દસમા દિવસ માટે વિશેષ રેલગાડીઓ પંજાબની વાઘા-અટારી સરહદ તરફ રવાના થઈ હતી. કુરુક્ષેત્રમાં યાત્રિકોએ કૃષ્ણ-અર્જુનના ગીતા સંદેશ સ્થાન અને ભીષ્મપિતામહની બાણશૈયા સહિતનાં પવિત્ર સ્થળોનાં દર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA