


પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નામદાર સુપ્રીમ
કોર્ટના આદેશના અનુસંધાને શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી સંકુલો સહિતના જાહેર પરિસરોમાં
શ્વાનના પ્રવેશને અટકાવવા માટે જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની
એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય હેતુ
શૈક્ષણિક સંસ્થાઓ સહિતના જાહેર સ્થળોએ સુરક્ષિત વાતાવરણ જાળવવાનો, શ્વાનના અનિયંત્રિત પ્રવેશને અટકાવવાનો
તથા સંબંધિત સંસ્થાઓ દ્વારા જરૂરી સાવચેતીનાં પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત
કરવાનો છે. આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીની
સૂચનાથી એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના અધિકારી દિલાવર સાટી અને તેમની ટીમ દ્વારા
ખાસ કરીને શાળા અને કોલેજોને પ્રાથમિકતા આપીને વિવિધ સંસ્થાઓના કેમ્પસની સ્થળ પર
જઈને ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન સંસ્થાઓની બાઉન્ડ્રી વોલ, કમ્પાઉન્ડની ફરતે કરવામાં આવેલી
સુરક્ષા વ્યવસ્થા, પ્રવેશદ્વાર તથા અન્ય એવા સ્થળોનું
નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી
શ્વાન કેમ્પસમાં પ્રવેશી શકે તેવી શક્યતા હોય. ચકાસણી દરમિયાન જે સ્થળોએ શ્વાનના
પ્રવેશને અટકાવવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનું જણાયું હતું, ત્યાં સંબંધિત શાળા-કોલેજના
પ્રતિનિધિઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા સ્થળોએ એક
અઠવાડિયાની અંદર શ્વાન કેમ્પસમાં પ્રવેશી ન શકે તે માટે યોગ્ય અને અસરકારક
વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી. આ માટે બાઉન્ટ્રી વોલમાં રહેલી ખાલી
જગ્યાઓ બંધ કરવી, પ્રવેશદ્વારની સુરક્ષા મજબૂત કરવી તેમજ
શ્વાન પ્રવેશી શકે તેવા સંભવિત માર્ગો બંધ કરવા જેવી જરૂરી વ્યવસ્થાઓ પર ધ્યાન
દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંબંધિત
સંસ્થાઓમાં નિયુક્ત કરવામાં આવેલા નોડલ અધિકારીઓની વિગતો પણ ચકાસવામાં આવી હતી.
દરેક સંસ્થાના પ્રવેશદ્વાર પાસે નોડલ અધિકારીનું નામ અને મોબાઈલ નંબર દર્શાવતું
બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી, જેથી જરૂરિયાતના સમયે સંબંધિત અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરી શકાય
અને શ્વાન સંબંધિત સમસ્યાઓ અંગે ઝડપી સંકલન થઈ શકે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા
શાળા, કોલેજ, હોસ્પિટલ અને સરકારી સંકુલો સહિતના જાહેર પરિસરોમાં સુરક્ષાની
વ્યવસ્થાઓનું મહત્ત્વ સમજાવીને સંબંધિત સંસ્થાઓને જરૂરી પગલાં લેવા જણાવવામાં આવી
રહ્યું છે. ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, કર્મચારીઓ તથા જાહેર સ્થળોની મુલાકાત લેતા નાગરિકોની સલામતીને
ધ્યાનમાં રાખીને કેમ્પસમાં શ્વાનનો પ્રવેશ અટકાવવા માટેની વ્યવસ્થાઓ અસરકારક રીતે
અમલમાં મૂકવામાં આવે તે જરૂરી છે. મહાનગરપાલિકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા
દ્વારા કરવામાં આવેલી આ ચકાસણીના પગલે સંબંધિત સંસ્થાઓને જરૂરી સુધારાત્મક કામગીરી
સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જાહેર પરિસરોમાં સલામતી જળવાય અને
શ્વાનના પ્રવેશને કારણે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે સંસ્થાઓના
સંચાલકો અને નિયુક્ત નોડલ અધિકારીઓ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya