



કચ્છ, 18 ઓક્ટોબર (હિ.સ.) : સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નખત્રાણા તાલુકામાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા ગામમાંથી પસાર થતા ભુજ–લખપત માર્ગ પર જાહેર અવરજવરમાં અડચણરૂપ બનેલા સરકારી જમીન પરના અનધિકૃત કોમર્શિયલ દબાણને દૂર કરીને અંદાજે બે લાખ રૂપિયાની કિંમતની જમીન સરકારી તંત્રે પોતાના કબજામાં લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, નખત્રાણા ગામના વિસ્તારમાં સરકારી ટ્રાવર્સની કુલ 500 ચોરસ મીટર જમીન પર કોમર્શિયલ હેતુથી દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીનનું કોમર્શિયલ હેતુ માટેના જંત્રી દર મુજબ અંદાજિત મૂલ્ય રૂપિયા 2 લાખ જેટલું થતું હોવાનું જણાવાયું છે. જાહેર માર્ગની સુવિધા જળવાઈ રહે અને સરકારી જમીનનો ઉપયોગ નિયમ મુજબ થઈ શકે તે હેતુથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તા. 18 ઓક્ટોબર, 2026ના રોજ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને નખત્રાણાના મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. નખત્રાણાના મામલતદાર આર.કે. પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સી.વી. બોરડની ટીમ સ્થળ પર હાજર રહી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરવામાં આવ્યું હતું.
કાર્યવાહી પૂર્ણ થયા બાદ દબાણમુક્ત થયેલી જમીનનો કબજો સરકાર દ્વારા મેળવી લેવામાં આવ્યો હતો. ભુજ–લખપત માર્ગ કચ્છના અનેક વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેના પર વાહનવ્યવહાર સુચારુ રહે તે જરૂરી છે. માર્ગની આસપાસના દબાણો દૂર થવાથી વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેવાની સાથે માર્ગ પરની અડચણો પણ ઘટવાની અપેક્ષા છે.
સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્રની આવી કાર્યવાહીથી જાહેર મિલકતોનું રક્ષણ કરવા અને માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar