
ભાવનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દિલ્હીથી ભાવનગર પરત ફર્યા બાદ નવરાત્રીના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયાં હતાં. આ દરમિયાન તેમણે ભંડારિયા સ્થિત બહુચરાજી મંદિરે માતાજીનાં દર્શન કરી દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
નિમુબેન બાંભણીયાએ માતાજીનાં ચરણોમાં શીશ નમાવી દેશવાસીઓના સુખાકારીભર્યા જીવન માટે આશીર્વાદની કામના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિકાસયાત્રા આગળ વધી રહી છે. આ વિકાસયાત્રા વધુ વેગવાન બને, દેશની પ્રગતિ સતત જળવાઈ રહે અને સમગ્ર દેશમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તે માટે તેમણે મા બહુચરાજીને પ્રાર્થના કરી હતી.
ભંડારિયા બહુચરાજી માતાજી પ્રત્યે નિમુબેન બાંભણીયાને વર્ષોથી ઊંડી શ્રદ્ધા છે. વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેઓ દર નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શન અને મહાઆરતીમાં ઉપસ્થિત રહેવાની પરંપરા જાળવી રહ્યાં છે. આ વખતે પણ દિલ્હીથી ભાવનગર આવ્યા બાદ તેમણે સૌપ્રથમ ભંડારિયા બહુચરાજી મંદિરે દર્શન કરી નવરાત્રી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે કુમાર શાહ, અભયસિંહ ચૌહાણ, મેહુલ વડોદરિયા, કે.કે. સરવૈયા, ભરતભાઈ મોણપરા, રામદેવસિંહ ગોહિલ, જગદીશ જાજડીયા, કુલદીપસિંહ ચુડાસમા, પરેશ ચૌહાણ અને ભદ્રેશ બાંભણીયા સહિતના આગેવાનો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીની મહાઆરતીમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA