કોલકાતા, ગ્વાલિયર અને ગુજરાતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
ભાવનગર,18 ઓક્ટોબર (હિ.સ.) : દેશના વિવિધ રાજ્યોમાં ગત શનિવારે બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરીને તેમણે સંવેદના વ્યક્ત કરી છે. વિવિધ દુર્
મોરારી બાપુ ફાઈલ ફોટો


ભાવનગર,18 ઓક્ટોબર (હિ.સ.) : દેશના વિવિધ રાજ્યોમાં ગત શનિવારે બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરીને તેમણે સંવેદના વ્યક્ત કરી છે. વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કુલ રૂ. 6 લાખની સહાય પહોંચાડવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા નિમિત્તે એકઠા થયેલા લોકોમાં ભાગદોડ મચતાં 19 લોકોનાં કરુણ મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ મૃતકોના પરિવારજનોને વ્યક્તિદીઠ રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 2,85,000ની સહાય અર્પણ કરી છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતાના મંદિર બહાર દર્શન માટે એકઠા થયેલા લોકો પર ટ્રક ફરી વળતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પૂજ્ય મોરારિબાપુએ મૃતકોના પરિવારજનોને વ્યક્તિદીઠ રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 1,95,000ની સહાય અર્પણ કરી છે.

ગુજરાતમાં પણ ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં શ્રમિકોના મૃત્યુની કરુણ ઘટનાઓ બની હતી. ભરૂચના વાગરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં બોઇલર ફાટતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં પણ બોઇલર ફાટવાની ઘટનામાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા હતા.

આ તમામ દિવંગતોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારજનોને કુલ રૂ. 1,20,000ની સહાય અર્પણ કરી છે.

આમ, કોલકાતા, ગ્વાલિયર અને ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે કુલ રૂ. 6 લાખની સહાય મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતાના માધ્યમથી મુખ્યમંત્રી રાહત ફંડ સુધી પહોંચાડવામાં આવી છે. દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને મોરારિબાપુએ માનવતાભર્યો અભિગમ દર્શાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande