
ભાવનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સિદસર, ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલ પ્લે સ્પર્ધામાં પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલા, સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને ટીમવર્કના સુંદર સમન્વય દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા તેમની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને શાળામાં ચાલતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પરિણામ છે.
પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. અભ્યાસની સાથે કલા, સંસ્કૃતિ, રમતગમત અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જિલ્લા કક્ષાની બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવું શાળા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
આ સફળતા બદલ જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ શાળાના આચાર્ય ડો. પ્રકાશ સી. રાઠોડ, માર્ગદર્શક શિક્ષકો અને સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આચાર્ય ડો. પ્રકાશભાઈ સી. રાઠોડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો તેઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી શકે છે. બંને સ્પર્ધામાં મળેલી સફળતા વિદ્યાર્થીઓની પ્રતિભા, શિક્ષકોની નિષ્ઠા અને ટીમવર્કનું પરિણામ છે.
આ સિદ્ધિથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને શાળાએ શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA