
પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલા
આવાસોમાં જરૂરી સુધારણા અને માળખાકીય સુવિધાઓના વિકાસને ધ્યાનમાં રાખીને પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની
તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બોખીરા ખાતેના આવાસોના અંદાજિત રૂ.
13
કરોડના ખર્ચે રિનોવેશન કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત
આવાસોની જાળવણી, વોટરપ્રૂફિંગ, ફાયર સેફ્ટી, રેલિંગ તથા સુરક્ષાને લગતાં જરૂરી કામો
હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આવાસ યોજનામાં પ્રકાશની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે
રૂ. 5
લાખના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ લગાવવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મેયર
મનિષભાઈ શિયાળે જણાવ્યું હતું કે, શહેરના
બોખીરા વિસ્તારમાં આવેલા આવાસોમાં રહેવાસીઓને વધુ સારી અને સુરક્ષિત સુવિધાઓ મળી
રહે તે હેતુથી રિનોવેશનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની
બેઠકમાં આ કામગીરી માટે રૂ. 13 કરોડના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ
અંતર્ગત આવાસોની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સમારકામ અને સુધારણાનાં
કામો હાથ ધરવામાં આવશે, જેથી આવાસોની જાળવણીની સાથે રહેવાસીઓની
સુરક્ષા અને સુવિધાઓમાં પણ સુધારો થઈ શકે.
આવાસોના રિનોવેશનમાં ખાસ કરીને વોટરપ્રૂફિંગની
કામગીરી કરવામાં આવશે, જેથી વરસાદી પાણીના કારણે થતી સંભવિત
સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ મળે. આ ઉપરાંત ફાયર સેફ્ટીને લગતી જરૂરી સુવિધાઓ
વિકસાવવા તથા રેલિંગ અને અન્ય સુરક્ષાલક્ષી કામો હાથ ધરવામાં આવશે. આવાસોમાં રહેતા
પરિવારોને વધુ સલામત વાતાવરણ મળી રહે અને ઇમારતોની જાળવણી યોગ્ય રીતે થઈ શકે તે
દિશામાં આ કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહેશે. રૂ. 13 કરોડના ખર્ચે થનારી આ કામગીરીને
મંજૂરી મળતાં આવાસોના રિનોવેશનની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે.
નાયબ મેયર મનિષભાઈ શિયાળે વધુમાં જણાવ્યું હતું
કે, બોખીરા ખાતેની આવાસ યોજનામાં રાત્રિના
સમયે પૂરતો પ્રકાશ મળી રહે અને રહેવાસીઓની અવરજવર વધુ સુવિધાજનક બને તે માટે
સ્ટ્રીટલાઇટની નવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ માટે રૂ. 5 લાખના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ લગાવવાની
કામગીરીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત
આશરે 3,000 મીટર કેબલ વાયર નાખવા ઉપરાંત 70 જેટલી લાઇટો અને જરૂરી બ્રેકેટ
લગાવવામાં આવશે.નવી સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા થવાથી આવાસ વિસ્તારના આંતરિક માર્ગો
અને આસપાસના જાહેર વિસ્તારોમાં રાત્રિના સમયે પ્રકાશની સુવિધા વધશે. તેનાથી
રહેવાસીઓની અવરજવરને વધુ સરળ બનાવવામાં મદદ મળશે તેમજ અંધકારના કારણે ઊભી થતી
અસુવિધાઓ ઘટાડવામાં પણ સહાયરૂપ બનશે.
આમ, પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બોખીરા આવાસોના
રિનોવેશન માટે રૂ. 13 કરોડ અને નવી સ્ટ્રીટલાઇટની કામગીરી માટે રૂ. 5 લાખના ખર્ચને મંજૂરી
આપવામાં આવતાં આવાસ વિસ્તારની માળખાકીય સુવિધાઓ, જાળવણી, સુરક્ષા અને પ્રકાશ વ્યવસ્થાને વધુ
સુદૃઢ બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીથી આવાસોમાં રહેતા
નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya