
રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ૧૩ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં છેલ્લા દસ મહિનાથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યા છે. ઓનલાઈન ફ્રોડના નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આચરાયેલી આ છેતરપિંડીના મામલે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને બંને આરોપીઓને વછરાજ હોટલ નજીકથી હસ્તગત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઇમ્તિયાઝ ઉર્ફે સરફરાજ ઉર્ફે જાંબુ અસરફભાઇ સીપાઇ અને સાહિદ ઉર્ફે સમીર ઉર્ફે બાબી ગફારભાઇ બેલીમનો સમાવેશ થાય છે.
રાજકોટ વિભાગીય પોલીસ વડા દ્વારા, રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ સૂચના અન્વયે રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એ.વાય.ઉધાસ, અને એસ.પી.ગોહિલ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટાફના ફુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા અને રવિરાજસિંહ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે, માંગરોળ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આ બંને આરોપીઓ ધોરાજી વિસ્તારમાં સક્રિય છે.
દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ધોરાજી-જેતપુર નેશનલ હાઇવે ૨૭ પર આવેલી વછરાજ હોટલ પાસેથી, બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ધોરાજી તાલુકાના રહેવાસી છે અને તેમની સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તથા આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. રેન્જ ટીમે બંને આરોપીઓને, આગળની કાનૂની કાર્યવાહી માટે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધા છે અને આ અંગે જૂનાગઢના માંગરોળ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt