
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન પવિત્ર વિજયાદશમી પર્વ નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ભવ્ય 'રાવણદહન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ઉત્સવ માટે સમાજના સ્વયંસેવકો છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે. છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી આ ઐતિહાસિક પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ આયોજનની મુખ્ય વિશેષતા પર્યાવરણની જાળવણી અને જાગરૂકતા છે. પ્રદૂષણ અટકાવવાના ભાગરૂપે પૂતળાં બનાવવામાં લોખંડ, પ્લાસ્ટિક કે કોઈપણ હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તમામ પૂતળાં માત્ર વાંસ, લાકડાં, કાગળ, ગોણ અને સૂતળી જેવી કુદરતી તેમજ પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે.
વિજયાદશમીના દિવસે નાનકપુરી ખાતેથી સુશોભિત શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, ચાંદી બજાર, લીમડા લેન અને ક્રિકેટ ગ્રાઉન્ડ થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. આ શોભાયાત્રામાં રામાયણ આધારિત જીવંત પાત્રોની પ્રસ્તુતિ નગરજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રાના આગમન બાદ શ્રીરામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું જીવંત મંચન રજૂ કરાશે. ત્યારબાદ ૩૫ ફૂટ ઊંચા રાવણ તેમજ ૨૫-૨૫ ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પૂતળાંઓનું દહન કરવામાં આવશે. હજારોની જનમેદનીને ધ્યાને રાખી દર્શકો માટે બ્લોક વાઇઝ વ્યવસ્થા અને પોલીસ તંત્ર સાથે સંકલન કરી ચુસ્ત સુરક્ષા જાળવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt