
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર નજીકના સિક્કામાં જી.ઈ.બી. વિસ્તારમાં ગરબી જોઈને પત્ની અને પુત્રી સાથે ઘરે પરત ફરી રહેલા યુવાનના સ્કૂટરને પૂરઝડપે આવેલી બાઇકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં માથાના ભાગે સખત ઇજા થવાથી સ્કૂટરચાલક યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ઇજા પહોંચી હતી અને પુત્રીનો બચાવ થયો હતો.
બનાવની વિગત મુજબ, સિક્કામાં આંગણવાડી પાસે રહેતા સેજલબેન ગોસાઈ, તેમના પતિ ભાવપરી ગોસાઈ અને પુત્રી સાલીની સાથે સ્કૂટર પર જી.ઈ.બી.ની ગરબી જોવા ગયા હતા. રાત્રે આશરે એક વાગ્યે ગરબી જોઈને પરત ફરતી વખતે તળાવ સામેના રસ્તા પર સામેથી ત્રણ સવારીમાં પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવતી મોટરસાઇકલે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના કારણે સ્કૂટર પરથી ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં સેજલબેનને પગ, હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે ભાવપરીને માથામાં ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત બાદ એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત ભાવપરીને ખાનગી વાહનમાં સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સેજલબેનને પણ સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે સેજલબેન ગોસાઈએ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરસાઇકલચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt