
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 (NH-27) પર અધૂરા સર્વિસ રોડને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાંતલપુરથી રણમલપુરા તરફ જતો આશરે 700થી 800 મીટરનો સર્વિસ રોડ લાંબા સમયથી અધૂરો પડ્યો છે. આ માર્ગનું કામ પૂર્ણ ન થવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે અને સ્થાનિકોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે.
સર્વિસ રોડ અધૂરો હોવાથી વાહનચાલકોને જોખમ ઉઠાવીને રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ફરજ પડે છે. પરિણામે આ માર્ગ પર અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ છે. અગાઉ પણ આ વિસ્તારમાં ગંભીર અકસ્માતો સર્જાયા હતા, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં અધૂરા સર્વિસ રોડનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે દાત્રાણાના મહેશ આહિરે પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ અને ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી રજૂઆત કરી છે. તેમની રજૂઆત PMOPG/E/2026/0188243 નંબરથી સ્વીકારવામાં આવી છે. મહેશ આહિરે સંબંધિત તંત્રને NH-27 પર બાકી રહેલા સર્વિસ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે, જેથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય, અકસ્માતોના જોખમમાં ઘટાડો થાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ