સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા ‘B2B બિઝનેસ સમિટ’ના સેમિનારનું આયોજન
સુરત, 19 ઓક્ટોબર (હિ.સ.) : સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સુરતના અડાજણ ખાતે ‘B2B બિઝનેસ સમિટ’ અંતર્ગત બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગ સાહસિકોને એક મંચ પ
828 Business Summit' Seminar Organized


સુરત, 19 ઓક્ટોબર (હિ.સ.) : સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સુરતના અડાજણ ખાતે ‘B2B બિઝનેસ સમિટ’ અંતર્ગત બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવી પરસ્પર વ્યવસાયિક સહયોગ, સંપર્કોનું વિસ્તરણ અને બિઝનેસની નવી તકો ઊભી કરવાનો હતો.

સેમિનારમાં ચર્ચા-વિચારણા બાદ ‘SABD’ (સમસ્ત આદિવાસી બિઝનેસ ડેવલપમેન્ટ)ના હેતુસર બિઝનેસ ડાયરી તૈયાર કરવાની પહેલ કરવામાં આવી હતી. આ ડાયરીમાં વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત યુવાનોની સંપર્ક વિગતો, વ્યવસાય અને વિસ્તારને આવરી લઈને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માધ્યમથી આદિવાસી વિસ્તારોના યુવા ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યવસાયિક સંબંધો મજબૂત બને અને પરસ્પર સહયોગથી ધંધા-વ્યવસાયનો વિકાસ થાય તેવો ઉદ્દેશ્ય છે.

આ પહેલ અંતર્ગત અંદાજે 50 જેટલા બિઝનેસ સાથે સંકળાયેલા યુવાનોને નવી વ્યવસાયિક તકો ઉપલબ્ધ કરાવવા તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાર્યરત નાના ઉદ્યોગોને એકબીજા સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સેમિનાર દરમિયાન વિવિધ પ્રોડક્ટ્સ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ સહિતનાં ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓ સાથે વ્યવસાયિક સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સખી મંડળો સાથે પણ વિચારવિમર્શ કરીને તેમના વ્યવસાયના વિસ્તરણ માટે બિઝનેસ નેટવર્ક સાથે જોડવાની દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત નાના અને લઘુ ઉદ્યોગોને મોટા ઉદ્યોગો સાથે જોડીને બજારની તકો ઉપલબ્ધ કરાવવી, ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર સુધી પહોંચાડવાં તથા પરસ્પર સહયોગથી વ્યવસાયિક વિકાસ સાધવો એ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નેટવર્ક દ્વારા આદિવાસી યુવાનોને વ્યવસાયમાં આગળ વધવા માટે માર્ગદર્શન, સંપર્કો અને સહયોગનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આગામી ફેબ્રુઆરી-2027માં સુરત ખાતે વધુ મોટા પાયે બિઝનેસ સમિટનું આયોજન કરવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના બિઝનેસ નેટવર્ક સાથે જોડીને આદિવાસી યુવા ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સહિત દેશ-વિદેશમાં વ્યવસાયિક તકો ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના સંદર્ભમાં યુકો બેંક દ્વારા પણ વ્યવસાય માટે નાણાકીય સહાય પૂરી પાડવાની દિશામાં તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

આ કાર્યક્રમમાં નવસારી, વાંસદા, ડાંગ, ચીખલી, માંડવી, વ્યારા, ધરમપુર સહિત ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી વ્યવસાય, ધંધા અને નાના-મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા યુવાનો જોડાયા હતા. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવાનોને એક જ મંચ પર લાવી સંયુક્ત આદિવાસી બિઝનેસ નેટવર્ક ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.

આગામી આયોજનને સફળ બનાવવા માટે બિઝનેસ સાથે સંકળાયેલા યુવાનોને એપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન કરીને આ નેટવર્ક સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગ સાહસિકો આ પહેલમાં સહભાગી બની આદિવાસી સમાજના આર્થિક અને વ્યવસાયિક વિકાસમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના અધ્યક્ષ કાંતિભાઈ કુન્બી, એમ.બી. માહલા અને રમણભાઈ નાયકાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પહેલ આદિવાસી સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને સંગઠિત કરી વ્યવસાયિક વિકાસ માટે એક મજબૂત નેટવર્ક ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande