જૂનાગઢની પશુચિકિત્સા મહાવિદ્યાલય ખાતે ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ’ યોજાયો
જુનાગઢ 19 ઓક્ટોબર (હિ.સ.) : કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “સુરક્ષિત ડિજિટલ પેઢી: સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમન
કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની પશુચિકિત્સા


જુનાગઢ 19 ઓક્ટોબર (હિ.સ.) : કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “સુરક્ષિત ડિજિટલ પેઢી: સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક કર્મચારીઓમાં સાયબર સુરક્ષા, ઓનલાઈન છેતરપિંડીથી બચાવ, ઇન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ તથા જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃતિ કેળવવાનો હતો.

કાર્યક્રમના પ્રારંભે મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એમ.ડી.ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે વર્તમાન ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાની વધતી જતી આવશ્યકતા તથા વિદ્યાર્થીઓમાં સાયબર ગુનાઓ અંગે જાગૃતિ કેળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો હકારાત્મક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, ઓનલાઈન પ્રવૃત્તિઓ દરમિયાન સાવચેતી રાખવા તથા ડિજિટલ સુરક્ષાના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા.

આ ઉપરાંત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધારાબેન ભરડવા અને વિશ્વાબેન દ્વારા પણ સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સાયબર જોખમો પ્રત્યે સતર્કતા વધારવા અને શંકાસ્પદ ડિજિટલ પ્રવૃત્તિઓના કિસ્સામાં યોગ્ય પગલાં લેવા અંગે સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી-ડિવિઝનના સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ, જૂનાગઢના પી. એ. રાઠોડ દ્વારા સાયબર સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો હેતુ ઓનલાઈન છેતરપિંડી, શંકાસ્પદ લિંક્સ, ખોટી ઓળખ ધારણ કરીને કરવામાં આવતી છેતરપિંડી અને વ્યક્તિગત માહિતીના દુરુપયોગ જેવા જોખમો અંગે સમજ આપવાનો હતો.

કાર્યક્રમમાં સાયબર સુરક્ષા માટે માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ વ્યક્તિગત સાવચેતી અને જવાબદાર વર્તન પણ એટલાં જ આવશ્યક છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને અજાણી લિંક્સ પર ક્લિક કરતાં પહેલાં ચકાસણી કરવા, પાસવર્ડ અને ગોપનીય માહિતી અન્ય સાથે શેર ન કરવા, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા, સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રાખવા તથા ઓનલાઈન નાણાકીય વ્યવહારો દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રશ્નોત્તરી સત્ર દ્વારા સહભાગીઓને સાયબર સુરક્ષા સંબંધિત પ્રશ્નો રજૂ કરવાની અને ડિજિટલ જોખમો ઘટાડવા માટેના વ્યવહારુ ઉપાયો સમજવાની તક પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર, ડૉ. એસ. વી. માવદિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સફળ આયોજન આચાર્યશ્રી ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ડિજિટલ જાગૃતિ અને જવાબદાર નાગરિકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande