
- સાવરકુંડલામાં નવી ગેસ એજન્સી શરૂ કરવા સૂચના.
અમરેલી, 19 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેમના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
સાવરકુંડલા તાલુકાના સીમરણવાડી ખાતે સીમરણ, જીરા, બોરાળા, કરજાળા અને નવા ચરખા સહિત પાંચ ગામના નાગરિકોની સુવિધા માટે એક્સપ્રેસ એસ.ટી. બસને સ્ટોપેજ આપવાની માંગણીનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને બેંકમાંથી પૂરતી રોકડ રકમ મળી રહે તે માટે લીડ બેંક મેનેજરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. સાવરકુંડલામાં ગેસ કનેક્શનધારકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા નવી ગેસ એજન્સી શરૂ કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા કલેક્ટરે સૂચના આપી હતી.
બગસરા તાલુકાની ગૌચર જમીનમાં ઊગી નીકળેલા ગાંડાબાવળ દૂર કરવા તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. ધારી તાલુકામાં જંગલ માર્ગે પસાર થતા બંધ એસ.ટી. રૂટ ફરી શરૂ કરવા અંગે સમીક્ષા કરવા પણ સંબંધિત વિભાગને જણાવાયું હતું, જેથી વિદ્યાર્થીઓને પરિવહનની સુવિધા મળી શકે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એ.એ. ડોડિયાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai