
ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના નાખડા ગામે એસ.ડી.આર.એફ. દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથના આયોજન હેઠળ એસ.ડી.આર.એફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે લાઇવ ડેમો સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ આપત્તિઓ સમયે બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, સુરક્ષિત સ્થળે સ્થળાંતર તથા આપત્તિ સમયે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાનો, આપત્તિના સમયે જાનમાલનું નુકસાન અટકાવવાનો તથા સુરક્ષા પ્રત્યે સજાગતા વધારવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ