
- ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા, વિવિધ ફ્લોટ્સ અને આકર્ષક આતશબાજી મુખ્ય આકર્ષણ બનશે.
ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં મંગળવારે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ કોડીનાર, તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને ભવાની યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
કોડીનારમાં દર વર્ષે દશેરાના પર્વે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના કલાત્મક અને નમૂનેદાર રાવણ તરીકે ઓળખાય તેવી ૪૫થી ૫૦ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. રાવણની પ્રતિમા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને કાર્યક્રમને યાદગાર બનાવવા આયોજકો દ્વારા અંતિમ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.વિજયાદશમી એ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કરીને ધર્મ અને સત્યની સ્થાપના કરી હતી. આ પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કોડીનાર શહેરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાશે. વિવિધ આકર્ષક ફ્લોટ્સ અને જીવંત પાત્રો સાથે નીકળનારી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે.ત્યારબાદ સાંજે શિંગોડા નદીના પટાંગણમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ કોડીનાર, તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને ભવાની યુવક મંડળ દ્વારા તાલુકાની સર્વે જનતાને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાવા તથા રાવણ દહનના ભવ્ય કાર્યક્રમમાં સહભાગી બની ધર્મના વિજયના પર્વની ઉજવણી કરવા ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ