
નવસારી, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં અલગ-અલગ સરકારી યોજનાઓ હેઠળ કુલ રૂ. 30.77 કરોડના ખર્ચે હાથ ધરાનારા 57 જેટલાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રસ્તા, પુલ, આંગણવાડી કેન્દ્રોના નવા મકાનો તેમજ પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડોના બાંધકામ સહિતના આ વિકાસકાર્યોથી આદિજાતિ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં પાયાની માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામ્ય નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રાથમિકતા છે. રસ્તા, શિક્ષણ અને બાળવિકાસને લગતાં વિવિધ કામો દ્વારા ગામડાંઓના સર્વાંગી વિકાસને વેગ મળશે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોની અવરજવર સરળ બનવાની સાથે બાળકોને શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે.
લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વ્યાપ વધશે. રસ્તા, પુલ, શાળાઓ અને આંગણવાડી જેવી સુવિધાઓના વિકાસથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને બાળકોને સીધો લાભ મળશે. ગામડાંઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી થાય અને વિકાસના લાભો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે દિશામાં આ વિકાસકાર્યો મહત્વપૂર્ણ બની રહેશે.
ચીખલી તાલુકાના જોગવાડ, કાંગવઈ, રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્દ, ખરોલી, કૂકેરી, દોણજા, હરણગામ, સાદડવેલ, ફડવેલ, આમધરા, કલીયારી, મોગરાવાડી, આબાપાડા, રૂમલા, પ્રધાનપાડા, ઘોલાર, અગાસી, ગોડથલ, માંડવખડક અને મીયાંઝરી સહિતનાં ગામોમાં રોડ-રસ્તા, આંગણવાડી, ભોજનાલય સહિતના વિવિધ વિકાસકાર્યોનું ભુમિપુજન સંપન્ન થયું હતું.
આ વિકાસકાર્યોમાં હાલના માર્ગોનું રિસરફેસિંગ, નવા રસ્તાઓનું નિર્માણ, કોઝવેને બદલે પુલનું બાંધકામ, આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનો તથા પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડોનું બાંધકામનો સમાવેશ થાય છે. આ કામગીરીથી ગામડાંઓમાં અવરજવર વધુ સરળ બનશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને MMGSY યોજના હેઠળ આ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનોમાં બાળકોને અનુકૂળ, સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવા માટે બાળમૈત્રીપૂર્ણ (ચાઇલ્ડ ફ્રેન્ડલી) અભિગમને પ્રાધાન્ય આપવામાં આવશે. આ પહેલથી બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, બાંધકામ સમિતિના અધ્યક્ષ કૌશિક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રસ્મિકા પટેલ, પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર કે. એમ. પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ગૌરાંગ રામાણી, મયંક પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યઓ, સરપંચઓ સહિત અન્ય મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે