
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક હાઇવે પર આવેલી વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની 66 KV ઇલેક્ટ્રિક લાઇનના ફાઉન્ડેશન કામની સાઇટ પરથી લોખંડનો સરસામાન ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરોએ સાઇટ પર રાખેલો કુલ રૂ. 1,55,300ની કિંમતનો લોખંડનો સામાન ચોરી કરી લીધો હતો. આ ઘટનાને પગલે સાઇટ પર કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કામના કોન્ટ્રાક્ટર વિરલભાઈ નવીનભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના ભાગીદાર નીરજકુમાર યોગેશભાઈ પટેલ સાઇટ પર પહોંચ્યા ત્યારે લોખંડનો સામાન ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતાં સાઇટ પરથી વિવિધ પ્રકારના લોખંડના સાધનો અને સામગ્રીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયેલા સામાનની કુલ કિંમત રૂ. 1,55,300 આંકવામાં આવી છે.
ચોરાયેલા સામાનમાં 12 લોક પાઇપ, 60 લેઝર પાઇપ, 2 ગડર, 4 ચેનલ, 5 લોખંડના ખપેડા, 8 મોટા જેક અને 8 નાના જેકનો સમાવેશ થાય છે. આ અંગે ચાણસ્મા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે અને ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ