અલ-નીનોની સંભવિત અસર : શિયાળુ પાકમાં પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે ખેડૂતોને ભલામણ
જુનાગઢ, 19 ઓક્ટોબર (હિ.સ.) : વર્તમાન આબોહવાકીય પરિવર્તન અને અલ-નીનો જેવી વૈશ્વિક હવામાન પરિસ્થિતિઓને કારણે વરસાદની અનિશ્ચિતતા, વધતું તાપમાન, જમીનમાં ભેજની અછત અને જળસંસાધનોની ઉપલબ્ધતા જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અર્ધશુષ્ક વિસ
પાક


જુનાગઢ, 19 ઓક્ટોબર (હિ.સ.) : વર્તમાન આબોહવાકીય પરિવર્તન અને અલ-નીનો જેવી વૈશ્વિક હવામાન પરિસ્થિતિઓને કારણે વરસાદની અનિશ્ચિતતા, વધતું તાપમાન, જમીનમાં ભેજની અછત અને જળસંસાધનોની ઉપલબ્ધતા જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈના મર્યાદિત સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને આગામી રવિ ઋતુમાં શિયાળુ પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતા જાળવવા માટે પાણીનું વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ વ્યવસ્થાપન અનિવાર્ય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને શિયાળુ પાકમાં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા ભલામણ કરવામાં આવે છે.

પાણીની અછતના કારણે પાકની વૃદ્ધિ, વિકાસ અને દાણાની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી ખેડૂતોએ સ્થાનિક હવામાન, જમીનનો પ્રકાર અને સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને યોગ્ય પાક તથા જાતની પસંદગી કરવી જોઈએ. સમયસર વાવણી અને પાકની પાણીની જરૂરિયાત મુજબ પિયતનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવે છે. પાણીની બચત માટે ટપક સિંચાઈ, ફુવારા અને રેઇન પાઇપ જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

પાકની કટોકટીની અવસ્થાએ સમયસર પિયત આપવાથી ઉપલબ્ધ પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે મલ્ચિંગ તથા પાકના અવશેષોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત, જમીનની તંદુરસ્તી સુધારતી અને ભેજ જાળવવામાં મદદરૂપ થતી પ્રાકૃતિક કૃષિ આધારિત જમીન વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવાથી ઓછા પાણીમાં ટકાઉ ઉત્પાદન મેળવવામાં મદદ મળી શકે છે.

ખેડૂતોએ હવામાનની આગાહી, જમીનમાં ભેજની સ્થિતિ અને પાકની વૃદ્ધિની અવસ્થાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સલાહ મુજબ પિયત અને પાક વ્યવસ્થાપન અંગેના નિર્ણયો લેવા જોઈએ. આમ કરવાથી પાણીનો બગાડ ઘટાડી શકાય છે અને ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.

વધુમાં, અલ નીનોની અસરને કારણે ગરમ અને શુષ્ક હવામાનની પરિસ્થિતિમાં કેટલાક પાકોમાં રોગ-જીવાતની સમસ્યામાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી ખેડૂતોએ નિયમિતપણે પાકનું નિરીક્ષણ કરવું જોઈએ અને રોગ-જીવાતનાં લક્ષણો જણાય તો નિષ્ણાતોની સલાહ મુજબ યોગ્ય નિયંત્રણનાં પગલાં લેવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande