ગાંધીધામના ચાવલા ચોકમાં ખરીદી દરમિયાન ગુમ થયેલો 12 વર્ષનો બાળક પોલીસની સતર્કતાથી પરિવારને મળ્યો
એ-ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમોએ હાથ ધરી શોધખોળ; ગણતરીના સમયમાં બાળકને શોધી પરિવારને સોંપતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામ શહેરના ચાવલા ચોક વિસ્તારમાં ખરીદી કરવા આવેલા પરિવાર માટે તે સમયે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી
ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન


એ-ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમોએ હાથ ધરી શોધખોળ; ગણતરીના સમયમાં બાળકને શોધી પરિવારને સોંપતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો

કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામ શહેરના ચાવલા ચોક વિસ્તારમાં ખરીદી કરવા આવેલા પરિવાર માટે તે સમયે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે તેમની સાથે આવેલો 12 વર્ષનો બાળક અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ બાળકની શોધખોળ કરી હોવા છતાં તેનો પત્તો ન મળતાં આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બાળકને શોધી કાઢી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર તાલુકામાં કાર્ગીલ કંપનીની સામે સર્વે નંબર 418 ખાતે રહેતાં આશાબેન રામદેવ જાટવ (ઉંમર 47 વર્ષ) પોતાના પરિવાર સાથે ગાંધીધામના ચાવલા ચોક વિસ્તારમાં ખરીદી કરવા આવ્યાં હતાં. ખરીદી દરમિયાન તેમની સાથે રહેલો 12 વર્ષનો પુત્ર પરિવારથી અલગ થઈ ગયો હતો. આસપાસ તપાસ કરવા છતાં બાળકનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આશાબેને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળક ગુમ થયાની જાણ કરી હતી.

બાળક ગુમ થયાની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે ઘટનાને ગંભીરતાથી લઈને બાળકને શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હતી. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ સંકલન સાથે શોધખોળ શરૂ કરી હતી. ગુમ થયેલા બાળકને વહેલી તકે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવવાના હેતુથી પોલીસ દ્વારા જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

પોલીસની આ સક્રિય કામગીરીના પરિણામે ગુમ થયેલા 12 વર્ષના બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. લાંબા સમયથી પુત્રની ચિંતામાં રહેલા પરિવારજનો માટે આ સમાચાર રાહતરૂપ બન્યા હતા અને બાળક પરત મળતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

આ સમગ્ર કામગીરી પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા અંગેની સૂચનાઓના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ આ કામગીરી પાર પાડી હતી. આ ઘટનાએ જાહેર સ્થળોએ બાળકો સાથે ખરીદી કે અન્ય કામકાજ માટે જતી વખતે તેમની સાથે સતત સંપર્ક અને દેખરેખ રાખવાની જરૂરિયાત પણ ઉજાગર કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande