
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારો, મેળાઓ અને ઉત્સવો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 37(1) હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી 2 નવેમ્બર, 2026 સુધી હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ નિર્ણય અંતર્ગત જાહેરનામામાં દર્શાવેલી શરતોનું પાલન કરવું તમામ સંબંધિત વ્યક્તિઓ માટે જરૂરી રહેશે.
જિલ્લામાં તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જાહેર શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર ન પડે તે માટે સાવચેતીના પગલાંરૂપે આ પ્રતિબંધાત્મક આદેશ અમલમાં મૂકવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, કાયદેસરની પરવાનગી અથવા અધિકૃતતા ધરાવતી વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રતિબંધિત હથિયાર સાથે જાહેરમાં ફરી શકશે નહીં. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને જાહેર કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
જોકે, દશેરાના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે કરવામાં આવતી શસ્ત્રપૂજનની ધાર્મિક વિધિને ધ્યાનમાં રાખીને જાહેરનામામાં મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટ માત્ર શસ્ત્રપૂજનની વિધિ પૂરતી જ રહેશે. ધાર્મિક પરંપરા અનુસાર શસ્ત્રપૂજન કરી શકાશે, પરંતુ તેના નામે હથિયારો સાથે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. શસ્ત્રપૂજન માટે હથિયારો એક જ સ્થળે રાખીને વિધિ કરવાની રહેશે. આ ઉપરાંત અગ્નિશસ્ત્રોમાં દારૂગોળો રાખવા પર પણ પ્રતિબંધ રહેશે.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હથિયાર સાથે રાખવાની કાયદેસર ફરજ ધરાવતી અથવા સક્ષમ સત્તાધિકારીની મંજૂરી અને અધિકૃતતા ધરાવતી વ્યક્તિઓને લાગુ પડતી જોગવાઈઓ સિવાય, પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 135(1) હેઠળ દંડનીય કાર્યવાહી થઈ શકે છે. જાહેરનામામાં ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછી ચાર માસથી લઈને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આથી કચ્છ જિલ્લાના નાગરિકોને તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને સામાજિક સૌહાર્દ જાળવવા તેમજ જાહેરનામાની તમામ શરતોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar