
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ ખાતે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની યોગાસન અને બાસ્કેટબોલ સ્પર્ધામાં પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય અને ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક ઇનામો મેળવ્યાં હતાં. યોગાસન સ્પર્ધાના અંડર-14 વર્ગમાં દિગ્વિજયસિંહ રાજપૂતે આર્ટિસ્ટિક યોગાસનમાં પ્રથમ અને વ્યક્તિગત યોગમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. શ્રવણ પરમાર બીજા, જ્યારે કુલદીપ વડેચિયા ત્રીજા સ્થાને રહ્યા હતા. અંડર-17 વર્ગમાં પાર્થિવ પટેલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
યોગાસનના ઓપન વર્ગમાં કેવલ ભોઈએ વ્યક્તિગત અને રિધમિક યોગમાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. વિપુલ ઠાકોરે વ્યક્તિગત અને આર્ટિસ્ટિક યોગમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે શૌર્ય સુથાર રિધમિક યોગમાં બીજા સ્થાને રહ્યો હતો. બહેનોના વર્ગમાં હેમાલી દુલેરા, ઉર્વશી પ્રજાપતિ અને રુશ્વા ચૌધરીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. ખેલાડીઓએ પોતાની કુશળતા, એકાગ્રતા અને મહેનતના બળે સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. બાસ્કેટબોલ સ્પર્ધામાં પણ બંને વિદ્યાલયના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-17 વર્ગમાં ટીમે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યાં હતાં, જ્યારે ઓપન એજ વર્ગમાં ટીમે પ્રથમ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ઉપરાંત, ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયની અંડર-14 ટીમે પ્રથમ સ્થાન મેળવી શાળાની સિદ્ધિઓમાં વધારો કર્યો હતો. આ સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વાલીઓએ વિજેતા ખેલાડીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ