રાજકોટ : ગોંડલના મોવિયામાં મૂક-બધીર પરિણીતા પર દુષ્કર્મ
રાજકોટ,19 ઓક્ટોબર (હિ.સ.) ગોંડલ તાલુકાના મોવિયા ગામે નવરાત્રી પર્વ દરમિયાન એકલતાનો લાભ લઈને દરજીકામ કરતા શખ્સે ઘરમાં ઘૂસીને બે સંતાનોની મૂક-બધીર પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
દૂષ્કર્મ


રાજકોટ,19 ઓક્ટોબર (હિ.સ.) ગોંડલ તાલુકાના મોવિયા ગામે નવરાત્રી પર્વ દરમિયાન એકલતાનો લાભ લઈને દરજીકામ કરતા શખ્સે ઘરમાં ઘૂસીને બે સંતાનોની મૂક-બધીર પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

નવરાત્રીના પવિત્ર તહેવાર ટાણે ગોંડલ પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મોવિયા ગામમાં રહેતી બે બાળકોની માતા અને મૂક-બધીર પરિણીતા પોતાના ઘરે એકાંતમાં હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. ગામમાં જ દરજીકામ કરતા ગિરીશ ભીખુ જેઠવા નામના શખ્સે પીડિતાની શારીરિક અક્ષમતા અને ઘરમાં કોઈ ન હોવાની સ્થિતિનો લાભ લીધો હતો.

આરોપી ગિરીશ જેઠવા અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ જ અરસામાં પીડિતાના જેઠ અચાનક ઘરે આવી પહોંચતા સમગ્ર કૃત્યનો ભાંડો ફૂટ્યો હતો. જેઠને ઘરની અંદર આવતા જોઈને હવસખોર આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

બનાવની જાણ થતાં જ પીડિતાના પતિએ તાત્કાલિક ઘરે આવીને પત્ની સાથે વાતચીત કરી હતી. મૂક-બધીર હોવાને કારણે પીડિતાએ સાંકેતિક ભાષામાં પોતાની પર વીતેલી આપવીતી પતિ સમક્ષ વર્ણવી હતી, જેનાથી સમગ્ર ઘટનાની ક્રૂરતા સ્પષ્ટ થઈ હતી. પીડિતાના પતિએ આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુ. આર. ડામોર અને પીએસઆઈ જી. બી. જાડેજાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપી ગિરીશ ભીખુ જેઠવાને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande