જામનગરના નવાગામ ઘેડમાં સમાધાન બેઠક લોહિયાળ બની: બે જૂથ વચ્ચે મારામારીમાં ૩ યુવકો ઘાયલ
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગરબી જોવા જવા મામલે થયેલી જૂની બોલાચાલીનું સમાધાન કરવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે હથિયારો ઊછળતાં મામલો લોહિયાળ ધીંગાણામાં પરિણમ્યો હતો. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ૧૭ ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટનામાં બંને પક્ષના ૩ યુવક
હુમલો


જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગરબી જોવા જવા મામલે થયેલી જૂની બોલાચાલીનું સમાધાન કરવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે હથિયારો ઊછળતાં મામલો લોહિયાળ ધીંગાણામાં પરિણમ્યો હતો. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ૧૭ ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટનામાં બંને પક્ષના ૩ યુવકો લોહીલુહાણ થયા હતા. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદોના આધારે કુલ ૭ શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષના હિતેશ અશોક શિંગાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર મયુર રાજેશ બાવરીયા ગરબી જોવા જઈ રહ્યા હતા ત્યારે આશાપુરા ગેસ પાસે બોલાચાલી થઈ હતી. આ મામલે સમાધાન કરાવવા હનુમાન મંદિર પાસે બેઠક યોજાઈ હતી. વાતચીત દરમિયાન ઉમેશ રણછોડ લોલડીયા, રિતેશ ઉર્ફે રીટો રણછોડ લોલડીયા અને મયુર બાવરીયાએ ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. રિતેશે પાવડાના હાથા વડે હિતેશના માથામાં ઘા ઝીંકી દેતાં તેમને ૧૪ ટાંકા આવ્યા હતા.

આ હુમલામાં વચ્ચે પડેલા દિનેશ શિંગાળાને પણ મૂંઢ ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસે હિતેશની ફરિયાદના આધારે ઉમેશ લોલડીયા, રિતેશ લોલડીયા અને મયુર બાવરીયા સામે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ સહિતની કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામા પક્ષે ઉમેશ રણછોડ લોલડીયાએ નોંધાવેલી સામી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોકુલનગર વિસ્તારમાં થયેલી બોલાચાલીનું અગાઉ સમાધાન થઈ ગયું હોવા છતાં નિતિન શિંગાળાએ પુનઃ તકરાર કરી હતી. નિતિન શિંગાળા, હિતેશ શિંગાળા અને દિનેશ શિંગાળાએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા મયુર બાવરીયાને પણ પાઇપ વાગતાં ઈજા થઈ હતી, જ્યારે કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો.

આ અથડામણમાં ઉમેશ અને મયુર બંને ઘાયલ થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સામી ફરિયાદના આધારે પોલીસે નિતિન શિંગાળા, હિતેશ શિંગાળા, દિનેશ શિંગાળા અને કારો મકવાણા સામે પણ ગુનો દાખલ કર્યો છે. આમ, સમાધાન માટે યોજાયેલી બેઠક જ હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande