
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ મથુરભાઇ ગઢીયા (ઉ.વ.૬૦) નામના નિવૃત ફોૈજી, નિવૃત પોલીસ કર્મચારી ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે આવેલા મામાદેવના મંદિર પાસે હતાં ત્યારે મંદિર પાસે ગોૈશાળામાં કામ કરતાં ભકો નામના શખ્સે આવી ધોકાથી હુમલો કરી માર મારતાં જમણો હાથ ભાંગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
દિનેશભાઇ ચાર ભાઇમાં બીજા છે. હાલમાં આગળ પાછળ કોઇ ન હોઇ પોતે એકલા જ રહે છે. તેણે જણાવ્યું હતું કે, અગાઉ હું ફોૈજી હતો. નિવૃતી બાદ પોલીસમાં નોકરી મળી હતી. અમરેલી ખાતે હેડકોન્સ્ટેબલ તરીકે નોકરી કર્યા બાદ નિવૃત થયા પછી હાલ રાજકોટ એકલો રહુ છું. હું નિયમીત મામાદેવ મંદિરે સવાર સાંજ દર્શન કરવા જાઉ છું અને આરતીમાં સામેલ થાઉ છું. સાંજે આરતી પુરી થતાં દર્શન કરીને હું બહાર નીકળ્યો ત્યાં જ નજીકમાં આવેલી ગોૈશાળામાંથી ભકા નામનો શખ્સ ધોકો લઇને આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો.
એક ઘા વાંસામાં લાગ્યા બાદ બીજો ઘા મારતાં મેં જમણો હાથ આડો રાખતાં તેમાં ઘા લાગી ગયો હતો. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તબિબે તપાસ કરતાં હાથમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું. દિનેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલા ભકા નામના શખ્સે મુર્તિ બનાવતાં પરિવારની એક છોકરીની પજવણી કરી હોઇ મેં તેને ઠપકો દીધો હતો. આ વાતનો ખાર રાખી તેણે હુમલો કર્યાની શક્યતા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt