
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અંબાણી પરિવારની ઉપસ્થિતિએ ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. મુકેશ અંબાણીએ જામનગર સાથેના પોતાના ત્રણ દાયકા જૂના સંબંધોને યાદ કર્યા હતા, જ્યારે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે સ્ટેજ પર ગરબાની રમઝટ બોલાવી હતી. રાધિકાના જન્મદિવસે સમગ્ર જામનગરવાસીઓએ તેમને અનોખી શૈલીમાં શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે નવરાત્રિના આઠમના પાવન પર્વે અંબાણી પરિવારના આગમનથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેજ પર પહોંચતા જ આતશબાજી અને ખેલૈયાઓની જોરદાર ચિચિયારીઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચ પરથી જનમેદનીને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જામનગર સાથેની પોતાની જૂની યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી આ શહેર સાથે જોડાયેલા છે અને 1995માં નીતા પહેલીવાર અહીં આવ્યા હતા. મુકેશ અંબાણીએ સંબોધનમાં નીતાનો ઉલ્લેખ કરતાં જ હાજર જનસમુદાય તાળીઓના ગડગડાટ સાથે ઝૂમી ઉઠ્યો હતો.
આ વિશેષ અવસરે રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી મન મૂકીને ગરબા રમ્યા હતા. સંબોધન દરમિયાન સ્ટેજ પરથી રાધિકા મર્ચન્ટે એકદમ ક્રિષ્ના લાગો છો તેવો સુંદર ડાયલોગ બોલ્યો હતો. આ વાઇરલ ડાયલોગ સાંભળતાં જ લોકો ખુશ થઈ ગયા હતા અને ગ્રાઉન્ડમાં હાજર વિશાળ ક્રાઉડે ઉત્સાહમાં આવીને એકસૂરે હેપી બર્થડે ગાઈને રાધિકાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાધિકાએ પણ લોકોનો આભાર વ્યક્ત કરીને તમામ જામનગરવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આપી હતી.
આઠમની આ પાવન રાત્રે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી જય શ્રીકૃષ્ણ, જય અંબે મા અને હર હર મહાદેવના નારા પોકારીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આંબાણી પરિવારે માતાજીની આરાધના કરી હતી અને સૌને ખૂબ જ આનંદ તથા ઉત્સાહ સાથે પર્વ ઉજવવા માટે પ્રેરિત કર્યા હતા. આ ભવ્ય આયોજને જામનગરવાસીઓ માટે નવરાત્રિના પર્વને વધુ યાદગાર બનાવી દીધું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt