સિદ્ધપુરની વિજયનગર સોસાયટીમાં પરંપરાગત ગરબાની રમઝટ, મહિલાઓએ માતાજીની આરાધના કરી
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી વિજયનગર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસો સુદ આઠમના પાવન પર્વે સોસાયટીની મહિલાઓએ ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણી કરી હતી. મહિલાઓ ચણિયાચોળી, બાંધણી સહિતના પર
સિદ્ધપુરની વિજયનગર સોસાયટીમાં પરંપરાગત ગરબાની રમઝટ, મહિલાઓએ માતાજીની આરાધના કરી


પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી વિજયનગર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસો સુદ આઠમના પાવન પર્વે સોસાયટીની મહિલાઓએ ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણી કરી હતી. મહિલાઓ ચણિયાચોળી, બાંધણી સહિતના પરંપરાગત ગુજરાતી વસ્ત્રો અને આકર્ષક ઘરેણાં પહેરીને ઉત્સવમાં જોડાઈ હતી. તેમના પરંપરાગત પહેરવેશથી સમગ્ર સોસાયટીમાં ગુજરાતી સંસ્કૃતિની સુંદર ઝાંખી જોવા મળી હતી.

નવરાત્રિના આઠમા નોરતે મહિલાઓએ માથે માતાજીની ગરબી ધારણ કરીને ભક્તિભાવપૂર્વક રાસ-ગરબા રજૂ કર્યા હતા. ઢોલ અને સંગીતના તાલે મહિલાઓએ તાલબદ્ધ પગલાં ભરીને પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત ગરબાની આ અનોખી રજૂઆતથી સમગ્ર સોસાયટીમાં ભક્તિ, ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ આયોજન દ્વારા ગુજરાતી લોકસંસ્કૃતિ અને વર્ષો જૂની ધાર્મિક પરંપરાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ નવરાત્રિ મહોત્સવમાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની રમઝટનો આનંદ માણ્યો હતો. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબા મહોત્સવના સમાપન બાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, વિજયનગર સોસાયટીમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સાથે આઠમા નોરતાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande