
અમરેલી, 19 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવતા સસ્તા અનાજના બિનઅધિકૃત જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 141 કિલોગ્રામ ચોખા સહિત કુલ 219 કિલોગ્રામ સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અનાજની સાથે વજનકાંટો અને રિક્ષા સહિત કુલ ₹58 હજારનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડિયા વિસ્તારમાં રેશનિંગના અનાજના બિનઅધિકૃત જથ્થાની હેરાફેરી થતી હોવાની બાબત સામે આવતાં મામલતદાર દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગરીબ પરિવારોને સરકારી વ્યવસ્થા હેઠળ મળતા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન 141 કિલોગ્રામ ચોખા સહિત કુલ 219 કિલોગ્રામ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અનાજના જથ્થા ઉપરાંત વજનકાંટો અને રિક્ષા પણ કબજે કરવામાં આવ્યાં હતાં. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત ₹58 હજાર હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલા અનાજના જથ્થાને સીઝ કરીને રિક્ષા સહિતનો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે વડિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડિયાના ઇન્ચાર્જ મામલતદારની આ કાર્યવાહીથી સસ્તા અનાજના બિનઅધિકૃત વ્યવહાર સામે તંત્રની સતર્કતા જોવા મળી છે. હવે આ મામલે તપાસ દરમિયાન અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેની હેરાફેરી પાછળ કોણ જવાબદાર છે તે અંગેની વધુ વિગતો સામે આવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai