પત્નીની હત્યા કરી મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી બનાવ આપઘાતમાં ખપાવવા પતિનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના વિરપુર નજીક કાગવડની સીમમાં ચારિત્ર્યની શંકામાં પતિએ પત્નીનું ગળું દબાવી તથા માથામાં પથ્થરના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી હતી અને બનાવને આત્મહત્યામાં ખપાવવા લાશને રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી. જોકે વેરાવળ-જબલ
ફરિયાદ


રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના વિરપુર નજીક કાગવડની સીમમાં ચારિત્ર્યની શંકામાં પતિએ પત્નીનું ગળું દબાવી તથા માથામાં પથ્થરના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી હતી અને બનાવને આત્મહત્યામાં ખપાવવા લાશને રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી. જોકે વેરાવળ-જબલપુર ટ્રેનના લોકો પાયલોટે ટ્રેક પર લાશ જોઈને તુરંત ટ્રેન રોકી પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે વીરપુર પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ જૂનાગઢના ચોબારી ફાટક પાસે રહેતા સમીર સુરતાન ભુરીયાની ૨૦ વર્ષીય પુત્રી દક્ષાના લગ્ન છ મહિના પહેલા કંજયાવાણીના દીપક પ્રતાપ શીંગાર સાથે થયા હતા. દંપતી કાગવડ ગામની સીમમાં વાડી ભાગમાં વાવીને રહેતું હતું. દીપક અવારનવાર દારૂ પીને પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતો હતો. રક્ષાબંધન વખતે પુત્રીએ પરિવારને આ અંગે જાણ કરી હતી, પરંતુ બાદમાં સમાધાન થતાં તે પતિ પાસે પરત ફરી હતી.

ગઈકાલે રાત્રે દીપકે પત્નીને અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી જોઈ જતાં ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ઘરમાં જ પત્નીનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેને મૃત સમજીને ખેતરમાં થઈ રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. ત્યાં પત્નીના શ્વાસ ચાલુ હોવાનું જણાતાં દીપકે પથ્થર વડે તેના માથાના ભાગે આડેધડ ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. પુરાવાનો નાશ કરવા અને મૃતદેહ ટ્રેન નીચે કપાઈ જાય તે હેતુથી તેણે લાશને ટ્રેક પર જ મૂકી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના પિતા પ્રતાપભાઈ પાસે જઈને ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસથી બચાવવા વિનંતી કરી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેનના પાયલોટે સમયસૂચકતા વાપરી ટ્રેન ઊભી રાખી દીધી હતી. જો ટ્રેન મૃતદેહ પરથી પસાર થઈ ગઈ હોત તો આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલવો અત્યંત મુશ્કેલ બની ગયો હોત. પાયલોટની સતર્કતાને કારણે જ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડી પિતા સમીર ભુરીયાની ફરિયાદ પરથી દીપક શીંગાર સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો હતો. પીઆઈ એસ. જી. રાઠોડ અને તેમની ટીમે તપાસ તેજ કરી આરોપી દીપકની ધરપકડ કરી લીધી છે. ચારિત્ર્યની શંકામાં પત્નીની બેરહેમીથી હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવાનો પતિનો કારસો પોલીસ અને રેલવે પાયલોટની તકેદારીના કારણે ખુલ્લો પડી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande