
-માંડવીના ત્રગડી વિસ્તારમાં LCBની કાર્યવાહી: દારૂની 8,196 બોટલ અને બીયરના 238 ટીન સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 20 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને શંકાસ્પદ ચીજવસ્તુઓના પરિવહન સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતાં ત્રણ અલગ કેસમાં દારૂનો મોટો જથ્થો અને ચોખાની 835 બોરીઓ કબજે કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂના બે કેસમાં કુલ રૂ.30,58,190નો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે ચોખા અને વાહનો સહિત રૂ.41.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
LCBની ટીમે માંડવી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રગડી ગામની સીમમાં તપાસ હાથ ધરી હતી. પ્રથમ કેસમાં ત્રગડીથી મીઠા પોર્ટ તરફ જતા રસ્તા પર આવેલી વાડીના ગોડાઉનમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 7,800 બોટલો મળી આવી હતી. તેની કિંમત રૂ.29,00,136 દર્શાવવામાં આવી છે. આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા, રામદેવસિંહ ચંદુભા ઝાલા, દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા અને પારસ મથુરગર ગોસ્વામી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજા કેસમાં યુવરાજસિંહ ઉર્ફે ટીટી મનુભા જાડેજાના રહેણાક મકાન પાસેના પતરાના શેડની બાજુમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી દારૂની 396 બોટલો અને બીયરના 238 ટીન મળી આવ્યા હતા. તેની કુલ કિંમત રૂ.1,58,054 છે. બંને કેસમાં માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ત્રીજા કેસમાં ત્રગડીથી મીઠા પોર્ટ તરફના કાચા રસ્તે બાવળની ઝાડીઓમાં ઊભેલા ટ્રેલરમાંથી 50 કિલોની 835 બોરી ચોખા મળી આવ્યા હતા. ચોખાની કિંમત રૂ.16.70 લાખ દર્શાવાઈ છે. સાથે રૂ.20 લાખનું ટ્રેલર અને રૂ.5 લાખનો આઈવા ટ્રક કબજે કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી શંકાસ્પદ જથ્થા સાથે સંકળાયેલા લોકો નાસી છૂટ્યા હતા. ચોખા ચોરી કે છળકપટથી મેળવાયા હોવાની બાતમીને પગલે તપાસ માટે મુદ્દામાલ જપ્ત કરાયો છે.
યુવરાજસિંહ વજુભા જાડેજા સામે રજૂ કરાયેલી પોલીસ વિગતોમાં 2013થી 2025 દરમિયાન માંડવી, મુંદરા, પ્રાગપર, કોડાઈ, નખત્રાણા, નલીયા, અંજાર અને અન્ય પોલીસ મથકોમાં દારૂબંધી સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું દર્શાવાયું છે. મેહુલસિંહ ચંદુભા ઝાલા સામે માંડવી, માંડવી મરીન, મુંદરા અને કોડાઈ પોલીસ મથકોમાં 2018થી 2025 દરમિયાન દારૂબંધીના અનેક કેસ દર્શાવાયા છે.
રામદેવસિંહ ચંદુભા ઝાલા સામે માંડવી મરીન પોલીસ મથકમાં 2023 અને 2024 દરમિયાન દારૂબંધીના પાંચ કેસની વિગતો આપવામાં આવી છે. દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા સામે મુંદરા, શહેર બી-ડિવિઝન અને માંડવી મરીન પોલીસ મથકના કેસનો ઉલ્લેખ છે. પારસ મથુરગર ગોસ્વામીના ગુનાહિત ઇતિહાસ અંગે ઉપલબ્ધ વિગતોમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
પોલીસે તમામ કેસમાં કાયદેસરની તપાસ આગળ ધપાવી છે. આરોપીઓ સામેના અગાઉના કેસો અને વર્તમાન ગુનામાં તેમની ભૂમિકા અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ જ આવશે. LCBની આ કામગીરીમાં PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar