
જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણમાં ડબલ ઋતુનો સ્પષ્ટ અનુભવ થઈ રહ્યો છે. બાજરા સંશોધન કેન્દ્રના આંકડા અનુસાર, દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને રાત્રિના સમયે ઠંડકને કારણે નગરજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. તાપમાનમાં આવતા આ ફેરફારને લીધે લોકો બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડક અનુભવી રહ્યા છે.
જામનગરમાં હાલ મહત્તમ તાપમાન ૩૭.૨ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના પરિણામે બપોરના સમયે અસહ્ય ગરમી અને તીવ્ર શેક અનુભવાઈ રહ્યો છે. તેની સામે લઘુત્તમ તાપમાન ઘટીને ૨૧.૨ ડીગ્રી નોંધાતાં મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની સરેરાશ ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેના આ મોટા તફાવતને કારણે જામનગરવાસીઓ એક જ દિવસમાં ગરમી અને ઠંડી બંનેનો સામનો કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt