રાજકોટમાં પત્ની માવતરે જતી રહેતાં પતિએ સાસુને છરી ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રૈયા ગામમાં રહેતા શખ્સે પત્ની સાથે અવારનવાર ઝઘડો અને રોકટોક કરતાં કંટાળીને પત્ની અમરનગરમાં માતાના ઘરે જતી રહી હતી. જેનો ખાર રાખી જમાઈએ અલગ અલગ દિવસે ત્રણ વખત સાસરીમાં જઈ ઝઘડો કર્યા બાદ ચોથી વખતે સાસુને છરીનો ઘા
હુમલો


રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રૈયા ગામમાં રહેતા શખ્સે પત્ની સાથે અવારનવાર ઝઘડો અને રોકટોક કરતાં કંટાળીને પત્ની અમરનગરમાં માતાના ઘરે જતી રહી હતી. જેનો ખાર રાખી જમાઈએ અલગ અલગ દિવસે ત્રણ વખત સાસરીમાં જઈ ઝઘડો કર્યા બાદ ચોથી વખતે સાસુને છરીનો ઘા મારી દીધો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે જમાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટના રૈયા ગામમાં શાળા નંબર ૮૯ની સામે પરમાર નિવાસવાળી શેરીમાં રહેતા ચેતન નરેશભાઈ પરમાર સાથે ૨૨ વર્ષીય ઈશિતાબેને દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ છેલ્લા સાતેક મહિનાથી પતિ ચેતન અવારનવાર ઈશિતાબેનને ફોન પર તેમજ રૂબરૂમાં બાબત-બાબતમાં રોકટોક કરી માનસિક ત્રાસ આપતો હતો. પતિના આ અસહ્ય વર્તનથી કંટાળીને ઈશિતાબેન ગત તારીખ ૧૨/૧૦ના રોજ કોઈને કહ્યા વગર સાસરેથી નીકળીને ચંદ્રેશનગર રોડ પર આવેલી અમરનગર-૨ શેરી નંબર ૭માં પોતાની માતા સંગીતાબેન (ઉંમર વર્ષ ૪૩)ના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. પત્ની ઘરેથી ચાલી જતાં ઉશ્કેરાયેલા ચેતને ફોન કરીને મને પૂછ્યા વગર કેમ જતી રહી? તેમ કહીને ગાળો ભાંડી હતી.

ઈશિતાબેન પોતાના પિયરે જતાં રહ્યા બાદ પણ પતિ ચેતનનો ગુસ્સો શાંત થયો ન હતો. તે અવારનવાર સાસરીમાં આવીને ઈશિતાબેન અને તેમની માતા સાથે માથાકૂટ કરતો હતો. પ્રથમ બનાવ બાદ તારીખ ૧૩/૧૦ના રોજ ચેતન અમરનગરમાં સાસરીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં જોરશોરથી ઝઘડો કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ તારીખ ૧૫/૧૦ના રોજ સવારે પાંચ વાગ્યે અચાનક ફરી સાસરે આવી પહોંચ્યો હતો અને ઘર પાસે આવીને હંગામો મચાવવા લાગ્યો હતો. ચેતનને વધુ ઉશ્કેરાયેલો જોઈને ઈશિતાબેને તુરંત જ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આથી ચેતન ત્યાંથી ગાળો આપતો આપતો જતો રહ્યો હતો.

સાસરીમાં અવારનવાર માથાકૂટ કરવાનો આ સિલસિલો અહીં અટક્યો ન હતો. તારીખ ૧૭/૧૦ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે ચેતન ફરી એકવાર અમરનગરમાં સાસુના ઘરે આવી પહોંચ્યો હતો અને દરવાજે ઊભા રહીને જોરથી ગાળાગાળી કરી ઝઘડો ચાલુ કર્યો હતો. આ સમયે સાસુ સંગીતાબેને ઘરની બહાર આવીને તેને શાંત રહેવા સમજાવ્યો હતો અને અહીંથી શાંતિથી જતો રહે, રોજ રોજ ઝઘડા ન કર તેમ કહ્યું હતું. આ સાંભળીને ચેતન એકદમ આવેશમાં આવી ગયો હતો અને પોતાના પેન્ટના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢીને સાસુ સંગીતાબેન પર હુમલો કરી દીધો હતો. તેણે સાસુના ડાબા સાથળના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો.

સાસુને છરી વાગતાં જ લોહીલુહાણ હાલતમાં તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આસપાસના લોકો અને શેરીના રહીશો દેકારો સાંભળીને દોડી આવતાં મામલો બિચકતો જોઈને ચેતન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. જોકે, ભાગતાં ભાગતાં પણ તે પોતાની સાસુ અને પત્નીને હું તમને જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપતો ગયો હતો. ઘટના બાદ ઈજા પામેલા સંગીતાબેનને તાત્કાલિક ઘરે જ પ્રાથમિક સારવાર આપીને પાટાપિંડી કરવામાં આવી હતી. બનાવને પગલે અમરનગર વિસ્તારમાં થોડો સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

પતિ ચેતન અવારનવાર સાસરીમાં આવીને જીવલેણ હુમલો કરતો હોવાથી અને પરિવારની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાથી અંતે ઈશિતાબેને પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેમણે ગઈકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પહોંચીને પતિ ચેતન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઈશિતાબેનની ફરિયાદના આધારે પીઆઈ જે. એમ. કૈલાની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી. બી. ગાધેએ આરોપી પતિ ચેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande