
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : દશેરાનાં દિવસે શસ્ત્રપૂજન કરવાનું ખાસ મહત્વ હોય છે. ઠેર-ઠેર શસ્ત્રપૂજનનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટરમાં પણ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક સહિત તમામ ઉચ્ચ અધિકારી ખાસ હાજર રહ્યા હતા. અને સાફો પહેરીને શસ્ત્રોની સાથે વાહન અને ડોગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પોલીસનાં આ ખાસ કાર્યક્રમમાં પોલીસ પાસે રહેલા હથિયારો જેવા કે, પિસ્તોલ, રાઇફલ સહિતનાં હથિયારો એકસાથે રાખવામાં આવ્યા હતા. અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ શસ્ત્રોને તિલક કરી તેની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં પોલીસ કમિશનર સહિત બધા ઉચ્ચ અધિકારીઓનાં હસ્તે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ દ્વારા ઓટોમેટિક સ્નેઈફર, રાઇફલ સહિત 10થી વધુ અલગ અલગ હથિયારોની સાથે સાથે શ્વાન તેમજ વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટરમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રો, વાહનો અને ડોગની પૂજા કરી હતી.
આ તકે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, નવરાત્રીના દિવસો દરમિયાન શહેરમાં લોકોએ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પર્વની ઉજવણી કરી છે. આ દરમિયાન પણ પોલીસ અધિકારીઓએ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી છે. જેમાં લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આજે સાંજે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પાવન પર્વે પ્રભુને પ્રાર્થના છે કે જેમ આજે રાવણનું દહન થાય છે, તેમ સમાજમાંથી તમામ બુરાઇઓ અને નકારાત્મકતાનું પણ દહન થાય અને સમાજમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વિજયાદશમીનાં પાવન પર્વ પર અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો. જેને લઈને આજના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું ખાસ મહત્વ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં શહેર પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરાયું હતું. સાથે સાથે વાહનો અને ડોગ સહિતની પણ પૂજા કરવામાં આવી છે. સમાજમાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવામાં પોલીસને સફળતા મળે તેવા આશયથી આજે શસ્ત્રપૂજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt