
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા સોરઠીયા વાડી સર્કલ નજીક નિલકમલ પાર્ક સોસાયટીમાં રહેતી ૩૩ વર્ષીય અપરિણીત યુવતી ખુશ્બુબેન અબ્દુલકાદર બેલીમે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. ગઇકાલે બપોર બાદ બનેલી આ ઘટનાથી પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોને જાણ થતાં જ તાત્કાલિક દુપટ્ટો કાપીને બેભાન હાલતમાં યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ હોસ્પિટલ ખાતે તેણીનું દુઃખદ અવસાન થયું હતું.
આ બનાવની જાણ થતાં જ હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જ કે. જે. પરમારે ભક્તિનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષી સહિતનો પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક ખુશ્બુબેન બે ભાઈઓની એકની એક વચેટ બહેન હતી અને અપરિણીત જીવન વિતાવી રહી હતી.
પોલીસ તપાસ દરમિયાન યુવતીએ આપઘાત કરતા પહેલા લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેણીએ ટૂંકા શબ્દોમાં પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે,હું મારા મમ્મી-પપ્પાને બેપનાહ મહોબ્બત કરું છું, મમ્મી-પપ્પા તમારું ધ્યાન રાખજો.ઘરના મોભીઓ અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, ખુશ્બુબેને આત્યંતિક પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને પરિવારજનો પણ અજાણ છે. એકની એક દીકરીના આ અચાનક વિદાયથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt