
નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.) પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી અમિત સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડ઼કરી અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. નેતાઓએ દેશની આંતરિક સુરક્ષાની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષામાં પોલીસ કર્મચારીઓની હિંમત, સમર્પણ અને બલિદાનને યાદ કર્યું હતું.
ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પોલીસ સ્મૃતિ દિવસ પર ફરજ દરમિયાન શહીદ થયેલા બહાદુર પોલીસ કર્મચારીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે, નાગરિકોની સલામતી અને રાષ્ટ્રની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓની હિંમત, બલિદાન અને અતૂટ સમર્પણને હંમેશા ઊંડા આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. તેમણે સમગ્ર દેશમાં શાંતિ, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અત્યંત સમર્પણ અને નિષ્ઠા સાથે તેમની સેવાઓ આપી રહેલા તમામ પોલીસ કર્મચારીઓને પણ સલામ કરી હતી.
પોલીસ સ્મૃતિ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશના તમામ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાનો સામનો કરવા, કટોકટીમાં મદદ કરવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં પોલીસ કર્મચારીઓના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પોલીસ સ્મૃતિ દિવસ એ પોલીસકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે, જેઓ સૌથી પડકારજનક સંજોગોમાં પણ અત્યંત પ્રતિબદ્ધતા સાથે તેમની ફરજો બજાવે છે. ફરજ બજાવતા પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં તેમણે કહ્યું હતું કે, તેમની હિંમત, અતૂટ સમર્પણ અને સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં અંકિત રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, પોલીસ સ્મૃતિ દિવસ પર દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસ કર્મચારીઓને સલામ કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ કર્મચારીઓએ માતૃભૂમિ અને નાગરિકોના સન્માનની રક્ષા માટે પોતાનો જીવ આપીને દેશભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. તેમણે રાષ્ટ્રવતી શહીદ થયેલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથે, પોલીસ કર્મચારીઓની અમૂલ્ય સેવાઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસ કર્મચારીઓની હિંમત અને સમર્પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકારીએ, દેશની આંતરિક સુરક્ષા અને સંરક્ષણમાં પોતાનો જીવ આપનારા બહાદુર પોલીસકર્મીઓની હિંમત, ફરજ પ્રત્યે સમર્પણ અને બલિદાનને સલામ કરી હતી.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સેવા, સમર્પણ અને હિંમત સાથે માતૃભૂમિને બચાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, બહાદુર જવાનોના વ્યક્તિત્વ અને બલિદાનએ દેશની અખંડિતતાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયને આ બહાદુર સૈનિકો પર હંમેશા ગર્વ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ